
બોટાદ, 26 મે (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ માટે કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઇન અનેક મહિલાઓ માટે આશાનું કિરણ બની રહી છે. ઘરેલું હિંસા, માનસિક ત્રાસ અથવા પરિવારિક વિવાદ જેવી પરિસ્થિતિમાં મહિલાઓને તાત્કાલિક મદદ અને માર્ગદર્શન પૂરું પાડતી ૧૮૧ અભયમ સેવા અનેક પરિવારોમાં ફરી ખુશીઓ લાવી રહી છે.
બોટાદ જિલ્લામાં આવી જ એક માનવતાસભર ઘટનામાં 181 અભયમ ટીમે નવજાત બાળકનું તેની માતા સાથે ફરી મિલન કરાવી પરિવારમાં સુખદ સમાધાન કરાવ્યું હતું.બોટાદ જિલ્લાના એક વિસ્તારમાં રહેતી પીડિત મહિલાએ181 અભયમ મહિલા હેલ્પલાઇન પર મદદ માટે સંપર્ક સાધ્યો હતો. કોલ મળતા જ અભયમ ટીમના કાઉન્સેલરશ્રી જલ્પાબેન સોંડાગર, કોન્સ્ટેબલ એકતાગાબુ અને ડ્રાઈવર યુનુસ બલોચ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે પીડિત મહિલાના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેને પાંચ દિવસનું નવજાત બાળક હતું.
પરિવારિક મતભેદ અને ઘરકામ બાબતે થયેલા ઝઘડાઓના કારણે પતિએ નવજાત બાળકને પોતાની પાસે રાખી પીડિત મહિલાને ઘરેથી બહાર કાઢી મૂકી હતી. આ પરિસ્થિતિમાં વ્યથિત મહિલાએ 181 અભયમ હેલ્પલાઇનનો સહારો લીધો હતો.અભયમ ટીમે પીડિતાના સાસરી પક્ષ તેમજ તેના પતિનું ધીરજપૂર્વક કાઉન્સેલિંગ કર્યું. સાથે જ મહિલાઓના હક્કો, કાયદાકીય જોગવાઈઓ અને પરિવારિક સમજણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ટીમે નવજાત બાળક માટે માતાનું સ્તનપાન અત્યંત જરૂરી હોવાનું સમજાવી નવજાત બાળકને માતાને સોંપવામાં આવ્યું હતું.
અંતે અભયમ ટીમના પ્રયાસોથી પતિ-પત્ની વચ્ચેના મતભેદો દૂર કરવાની કોશિશથી બંનેએ શાંતિપૂર્ણ રીતે સાથે જીવન વ્યતિત કરવાની સંમતિ વ્યક્ત કરી હતી. નવજાત બાળકને પોતાની ગોદમાં પરત મેળવી પીડિત મહિલાએ ભાવુક બની 181 અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.મહિલાઓ માટે સંકટ સમયે સહાયરૂપ બનતી સંવેદનશીલ 181 અભયમ મહિલા હેલ્પલાઇન આજે અનેક પરિવારોમાં ફરી વિશ્વાસ, સુરક્ષા અને ખુશીઓનું કારણ બની રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA