
ભાવનગર,26 મે (હિ.સ.) ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે બનાવવામાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો હવે રહીશો માટે જોખમી બનતા હોવાના આક્ષેપો વચ્ચે સુભાષનગર વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. આવાસ યોજનાના એક મકાનમાં ચાલુ ઘરની છતમાંથી અચાનક મોટું ગાબડું તૂટી પડતાં એક જ પરિવારના ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, સુભાષનગર વિસ્તારમાં આવેલા PM આવાસ યોજનાના મકાનમાં પરિવારના સભ્યો રોજિંદા કામકાજમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક છતનો મોટો ભાગ ધરાશાયી થયો હતો. ગાબડું સીધું ઘરમાં હાજર લોકો પર પડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં છતનો ભાગ અચાનક તૂટી પડતો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
આ અકસ્માતમાં એક વ્યક્તિને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે અન્ય ત્રણ લોકોને સામાન્ય ઈજાઓ થતા સ્થાનિક સ્તરે સારવાર આપવામાં આવી હતી. દુર્ઘટનામાં ઘરમાં રહેલો ટીવી, ફર્નિચર સહિતનો ઘરવખરીનો સામાન પણ નુકસાન પામ્યો હતો.
ઘટના બાદ સ્થાનિક રહિશોમાં ભારે રોષ ફેલાયો છે. રહિશોએ આવાસ યોજનાના મકાનોના બાંધકામમાં નીચી ગુણવત્તાની સામગ્રી વપરાઈ હોવાના આક્ષેપો કર્યા છે. લોકોનું કહેવું છે કે ગરીબોને સુરક્ષિત ઘર આપવાના નામે ભ્રષ્ટાચારથી ભરેલા બાંધકામ કરવામાં આવ્યા છે.
આ બનાવ બાદ મહાનગરપાલિકા તંત્ર અને સંબંધિત કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. હાલ તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA