


કચ્છ, 26 મે (હિ.સ.) : કચ્છ જિલ્લાના ખાવડા વિસ્તારમાં આજે વહેલી સવારે એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ખાવડા આરઈ પાર્ક તરફ જતા માર્ગ પર પવનચક્કીના ભાગો લઈ જતું ટ્રેલર અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માત એટલો ગંભીર બન્યો કે ડમ્પરની કેબીનનો કચરો થઈ ગયો હતો. ઘટનામાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
પ્રાથમિક માહિતી અનુસાર વહેલી સવારના સમયે બંને ભારે વાહનો સામસામે અથડાતા જોરદાર ધડાકો સંભળાયો હતો. અકસ્માતની તીવ્રતા એટલી વધુ હતી કે ડમ્પરનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ચકનાચૂર થઈ ગયો હતો. આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા વ્યક્તિને બચાવી શકાયા નહોતા.
ઘટનાની જાણ થતાં પશ્ચિમ કચ્છની ખાવડા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવવાની કામગીરી શરૂ કરી હતી. પોલીસે મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો તેમજ અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને તેમાં કોણ જવાબદાર છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
સ્થાનિક લોકોમાં ફરી એકવાર ભારે વાહનોના બેફામ દોડતા ટ્રાફિક સામે રોષ જોવા મળ્યો છે. ખાસ કરીને પવનચક્કીના સાધનો અને ભાગો લઈ જતાં વિશાળ ટ્રેલરોના કારણે ખાવડા અને આસપાસના માર્ગો પર વારંવાર ગંભીર અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. લોકોનો આક્ષેપ છે કે નિયમોના પાલન વિના દોડતા આવા વાહનો સામાન્ય વાહનચાલકો માટે જોખમરૂપ બન્યા છે.
અગાઉ પણ આ માર્ગ પર અનેક જીવલેણ અકસ્માતો બની ચૂક્યા હોવા છતાં સંબંધિત તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી નથી તેવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે. ભારે વાહનો માટે ગતિમર્યાદા, સુરક્ષા માપદંડો અને ટ્રાફિક નિયંત્રણ અંગે પૂરતી કાળજી લેવામાં નહીં આવતાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
આ દુર્ઘટનાએ ફરી એકવાર માર્ગ સુરક્ષા અને ભારે વાહનોની બેદરકારી સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે કે પવનચક્કીના ભારે વાહનો માટે ખાસ નિયમો અમલમાં મૂકવામાં આવે અને નિયમભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar