કચ્છમાં ખનીજ ચોરી સામે પશ્ચિમ કચ્છ પોલીસનું કડક એક્શન, ગેરકાયદેસર બેન્ટોનાઇટ ખનન ઝડપાયું
કચ્છ, 26 મે (હિ.સ.): કચ્છ જિલ્લામાં વધતી જતી ખનીજ ચોરી અને ગેરકાયદેસર ખોદકામની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સતત સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ-ભુ
ખાણ ખનીજ કેસમાં જપ્ત થયેલા સાધનો


ખાણ ખનીજ કેસમાં જપ્ત થયેલા સાધનો


ખાણ ખનીજ કેસમાં જપ્ત થયેલા સાધનો


કચ્છ, 26 મે (હિ.સ.): કચ્છ જિલ્લામાં વધતી જતી ખનીજ ચોરી અને ગેરકાયદેસર ખોદકામની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સતત સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે વિવિધ પોલીસ ટીમોને સૂચનાઓ આપવામાં આવી છે.

આ સૂચનાઓના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજની ટીમ પેટ્રોલિંગ દરમિયાન અબડાસા તાલુકા વિસ્તારમાં સક્રિય હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે રાયધણઝર ગામની ઉત્તર બાજુ આવેલી સીમ વિસ્તારમાં બેન્ટોનાઇટ ખનીજનું શંકાસ્પદ અને ગેરકાયદેસર ખોદકામ ચાલી રહ્યું છે. સાથે જ ખનન કરાયેલ ખનીજ લીઝની સીમા બહારથી કાઢીને લીઝ વિસ્તારની અંદર ગેરરીતિપૂર્વક સંગ્રહ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. વિકેશભાઈ રાઠવા, પોલીસ હેડ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારી, અનિલભાઈ ખટાણા તથા વિરમભાઈ ગઢવી સહિતની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પ્રાથમિક રીતે સ્પષ્ટ થયું હતું કે બેન્ટોનાઇટ ખનીજનું ખોદકામ લીઝની મંજૂર સીમા બહારથી કરવામાં આવી રહ્યું હતું અને ત્યારબાદ ખનીજને લીઝ વિસ્તારમાં જ ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવતું હતું.

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં સ્થળ પરથી એક હીટાચી મશીન અને બે આઇવા ટ્રકને કબ્જે લઇ ડિટેઇન કર્યા હતા. સમગ્ર મામલે ખાણ અને ખનીજ અધિનિયમની કલમ ૩૪ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગ ભુજને રિપોર્ટ સોંપવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.

પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને કારણે ખનીજ ચોરી કરતા તત્વોમાં ચકચાર મચી ગઈ છે. જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનીજની હેરાફેરી સામે આગામી દિવસોમાં પણ વધુ કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande