અંકલેશ્વરની સિગ્મા રોટલાઈનિંગ કંપનીમાં દુર્ઘટના, કામદારનું કરુણ મોત
- હાઇડ્રોલિક મરામત દરમિયાન કામદારનું કરુણ મોત - સીડી પરથી પટકાતા ગંભીર ઇજાઓ થઈ હતી ભરૂચ, 28 મે (હિ. સ.) : અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક ઔદ્યોગિક એકમમાં કામ દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં 36 વર્ષીય કામદારનું મોત નિપજતા કામદારોમાં શોકની લા
અંકલેશ્વરની સિગ્મા રોટલાઈનિંગ કંપનીમાં દુર્ઘટના


અંકલેશ્વરની સિગ્મા રોટલાઈનિંગ કંપનીમાં દુર્ઘટના


અંકલેશ્વરની સિગ્મા રોટલાઈનિંગ કંપનીમાં દુર્ઘટના


અંકલેશ્વરની સિગ્મા રોટલાઈનિંગ કંપનીમાં દુર્ઘટના


- હાઇડ્રોલિક મરામત દરમિયાન કામદારનું કરુણ મોત

- સીડી પરથી પટકાતા ગંભીર ઇજાઓ થઈ હતી

ભરૂચ, 28 મે (હિ. સ.) : અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક ઔદ્યોગિક એકમમાં કામ દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં 36 વર્ષીય કામદારનું મોત નિપજતા કામદારોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ઘટનાને લઈને જીઆઇડીસી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

માહિતી મુજબ, ખ્વાજા ચોકડી નજીક સ્થિત સિગ્મા રોટલાઈનિંગ કંપનીમાં દિનેશ પ્રજાપતિ નામના કામદાર હાઇડ્રોલિક સિસ્ટમ સાથે જોડાયેલા કેબલનું રિપેરિંગ કામ કરી રહ્યા હતા. કામગીરી દરમિયાન તેઓ ઊંચાઈ પર લગાવવામાં આવેલી સીડી ઉપર ચઢી મરામત કરી રહ્યા હતા ત્યારે અચાનક સંતુલન ગુમાવતા નીચે પટકાયા હોવાનું સામે આવ્યું છે.

અકસ્માતમાં દિનેશ પ્રજાપતિને માથા તેમજ શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચતા કંપનીના કર્મચારીઓએ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક દિનેશ પ્રજાપતિ મૂળ ઉત્તર પ્રદેશના વતની હોવાનું જાણવા મળ્યું છે. તેઓ પરિવાર સાથે અંકલેશ્વરના જનતા નગર-ગડખોલ વિસ્તારમાં રહેતા હતા અને છેલ્લા કેટલાક સમયથી કંપનીમાં કામગીરી બજાવી રહ્યા હતા.

ઘટના બાદ કંપની પરિસરમાં કામદારોમાં ચિંતા અને ગમગીનીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક તપાસમાં અકસ્માત હાઇડ્રોલિક મરામત દરમિયાન સર્જાયો હોવાનું સામે આવ્યું છે, જોકે સલામતીના સાધનોનો ઉપયોગ થયો હતો કે નહીં તેમજ કામગીરી દરમિયાન સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું કે કેમ તે મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

જીઆઇડીસી પોલીસ દ્વારા મૃતદેહનો કાયદેસર પંચનામું અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી આગળની કાનૂની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande