ભરૂચના ઝનોર નર્મદા નદી કિનારે સાગના લાકડાનો જથ્થો ઝડપાયો
- સરકારી જમીન પરથી કિંમતી લાકડાની હેરાફેરીનું મોટું નેટવર્ક હોવાની આશંકા - બિનવારસી હાલતમાં સાગના લાકડાનો મોટો જથ્થો મળતાં વન વિભાગે તપાસ તેજ કરી ભરૂચ, 28 મે (હિ.સ.) : ગુજરાતમાં વન વિભાગના કાયદાના કડક નિયમો હોવા છતાં કિંમતી લાકડાની ગેરકાયદેસર હેર
ભરૂચના ઝનોર નર્મદા નદી કિનારે સાગી લાકડાનો જથ્થો ઝડપાયો


ભરૂચના ઝનોર નર્મદા નદી કિનારે સાગી લાકડાનો જથ્થો ઝડપાયો


- સરકારી જમીન પરથી કિંમતી લાકડાની હેરાફેરીનું મોટું નેટવર્ક હોવાની આશંકા

- બિનવારસી હાલતમાં સાગના લાકડાનો મોટો જથ્થો મળતાં વન વિભાગે તપાસ તેજ કરી

ભરૂચ, 28 મે (હિ.સ.) : ગુજરાતમાં વન વિભાગના કાયદાના કડક નિયમો હોવા છતાં કિંમતી લાકડાની ગેરકાયદેસર હેરાફેરી અને કટિંગ કરતું મોટું નેટવર્ક સક્રિય હોવાની આશંકા વચ્ચે વન વિભાગે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં બિનવારસી હાલતમાં લાકડાનો એક ખુબ જ મોટો જથ્થો મળી આવતા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે અને આ મામલે હવે રૂટ લેવલ સુધી તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે.

વનીકરણ વિભાગને બાતમીદારો મારફતે ફોટોગ્રાફ સાથે માહિતી મળી હતી કે ઝનોર ગામના નદી કિનારે મોટી માત્રામાં સાગના લાકડાં બિનવારસી હાલતમાં પડેલા છે. બાતમીને ગંભીરતાથી લઈ મદદનીશ વન સંરક્ષકની સૂચનાથી આરએફઓ રાહુલ વાળા અને દિવ્યાબેન ચૌધરીની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી.સ્થળ તપાસ દરમિયાન આશરે 1.683 ઘન મીટર જેટલા નાના-મોટા કુલ 30 નંગ સાગના લાકડાં મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં લાકડાં શંકાસ્પદ પરિસ્થિતિમાં છુપાવી રાખવામાં આવ્યા હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. વન વિભાગે સમગ્ર જથ્થો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જપ્ત કરાયેલ લાકડાંને ટેમ્પો મારફતે નેત્રંગ સ્થિત વન વિભાગના ડેપોમાં ખસેડવામાં આવ્યા છે.

વન કાયદા મુજબ, સાગ જેવા અત્યંત કિંમતી લાકડાના કટિંગ, તેના સંગ્રહ અને હેરફેર માટે વન વિભાગની નિયમિત પરવાનગી મેળવવી અને તેનું યોગ્ય દસ્તાવેજીકરણ કરવું કાયદાકીય રીતે ફરજિયાત છે. આટલી કડક પ્રક્રિયા હોવા છતાં, કોઈ પણ પ્રકારના દસ્તાવેજો વગર બિનવારસી હાલતમાં ભરૂચના ઝનોર નર્મદા નદીના કિનારે મોટો જથ્થો મળી આવવો એ અનેક આશંકાઓ અને ગંભીર સવાલો ઊભા કરી રહ્યો છે.

આ કોઈ સામાન્ય ચોરીનો મામલો નથી પરંતુ તેની પાછળ આખું એક સુનિયોજિત નેટવર્ક કામ કરી રહ્યું હોવાની પ્રબળ શક્યતા છે. વન્યજીવ અને વન સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે, જો વન વિભાગ આ મામલે મોબાઇલ લોકેશન, સીસીટીવી ફૂટેજ જેવી ટેકનિકલ તપાસ અને લાકડા ક્યાંથી કપાયા અને ક્યાં મોકલવાના હતા તેની ચેઇન આધારિત ઊંડી તપાસ કરે, તો આ ગેરકાયદેસર લાકડાના વેપાર સાથે જોડાયેલા આંતરરાજ્ય અથવા સ્થાનિક મોટા માથાઓ જંગલ માફિયાઓ સુધી સરળતાથી પહોંચી શકાય તેમ છે.

વન વિભાગે હાલ આ સમગ્ર મામલાને અત્યંત ગંભીરતાથી લીધો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલના આધારે આગળની સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ કૌભાંડમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંડોવાયેલા તમામ નાના-મોટા શખ્સો સામે વન વિભાગ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. કોઈપણ ગુનેગારને છોડવામાં નહીં આવે.

હાલ તો વન વિભાગે આસપાસના વિસ્તારોમાં પણ પેટ્રોલિંગ અને વોચ ગોઠવી દીધી છે, અને આગામી દિવસોમાં આ મામલે મોટા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande