
પાટણ, 28 મે (હિ.સ.) : પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને ઉકળાટનો માહોલ હતો, પરંતુ આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો. તેજ પવન અને ધૂળની ડમરીઓ સાથે આકાશ વાદળછાયું બનતાં તાપમાનમાં ઘટાડો નોંધાયો અને લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી.
પાટણ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા માર્ગો અને ખુલ્લા વિસ્તારોમાં ધૂળ ઉડતી જોવા મળી હતી. હવામાન વિભાગે આગામી 30 મે, 31 મે અને 1 જૂન દરમિયાન જિલ્લામાં ગાજવીજ અને તેજ પવન સાથે કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
આ આગાહીને કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે, કારણ કે હાલમાં ઉનાળુ પાકની કાપણી અને સંગ્રહની કામગીરી ચાલી રહી છે. કમોસમી વરસાદ પડે તો ખુલ્લામાં રાખેલો પાક પલળી જવાની અને ગુણવત્તા બગડવાની ભીતિ હોવાથી ખેડૂતો પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ