

પોરબંદર, 28 મે (હિ.સ.) : પોરબંદર શહેરમાં ચોમાસા દરમિયાન સર્જાતી વરસાદી પાણી ભરાવાની સમસ્યાને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકા દ્વારા આગોતરું અને સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. નવા મેયર સાગર મોદીના માર્ગદર્શન હેઠળ પ્રિ-મોન્સૂન કામગીરીને એક્શન મોડમાં શરૂ કરવામાં આવી છે જેથી વરસાદી સિઝનમાં શહેરીજનોને હાલાકીનો સામનો ન કરવો પડે.
શહેરના તમામ 13 વોર્ડમાં ખાસ સર્વે કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં દરેક વોર્ડના ઈજનેરો તથા સ્થાનિક કોર્પોરેટરોને સાથે રાખી વરસાદી પાણી ભરાવાના સંવેદનશીલ વિસ્તારોનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. છેલ્લા કેટલાય વર્ષોથી જ્યાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા વધુ રહે છે તેવા વિસ્તારોને ખાસ પ્રાથમિકતા આપવામાં આવશે. મનપા દ્વારા સમગ્ર શહેરને ગ્રીન, યલો અને રેડ એમ ત્રણ અલગ ઝોનમાં વહેંચવાની તૈયારી કરવામાં આવી રહી છે.
ગ્રીન ઝોનમાં ઓછા જોખમવાળા વિસ્તારો, યલો ઝોનમાં મધ્યમ અસરવાળા વિસ્તારો અને રેડ ઝોનમાં એવા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવશે જ્યાં ભારે વરસાદ દરમિયાન પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાય છે. રેડ ઝોનમાં વિશેષ મોનીટરીંગ, ઝડપી પાણી નિકાલ અને ઈમરજન્સી કામગીરી માટે અલગથી ટીમો તૈનાત કરવામાં આવશે.વરસાદી પાણીના નિકાલ માટે હાલ આશરે રૂ. 50 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટની કામગીરી શહેરમાં ચાલી રહી છે. આ યોજના અંતર્ગત વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે નવી લાઈનો નાખવામાં આવી રહી છે. ઉપરાંત શહેરમાં ત્રણ આધુનિક પમ્પિંગ સ્ટેશન ઉભા કરવાની કામગીરી પણ પ્રગતિ હેઠળ છે. આ પમ્પિંગ સ્ટેશન શરૂ થયા બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મેયર સાગર મોદીએ જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન સામાન્ય નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે મનપા દ્વારા સંપૂર્ણ આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત ગટર સફાઈ, વરસાદી પાણીના નિકાલના માર્ગોની તપાસ, ડ્રેનેજ લાઈનનું નિરીક્ષણ અને જોખમી વિસ્તારોની ઓળખ સહિતની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.આ સમગ્ર આયોજનમાં ડેપ્યુટી મેયર મનીષ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા તેમજ મનપાની વિવિધ શાખાના અધિકારીઓ અને ઈજનેરો પણ સક્રિય રીતે જોડાઈ કામગીરી કરી રહ્યા છે.
મનપાના આ આગોતરા આયોજનથી આ વર્ષે ચોમાસા દરમિયાન શહેરમાં વરસાદી પાણીની સમસ્યામાં રાહત મળશે તેવી આશા શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya