
ગાંધીનગર, 28 મે (હિ.સ.) : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાતનાં પ્રવાસે આવ્યા છે. આજે દિવસ દરમ્યાન સોનીપુર ખાતે કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં 340 કરોડના 84 જેટલા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ ગાંધીનગર સ્થિત કમલમ ખાતે ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે.
આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર હાજર રહ્યા છે. તે ઉપરાંત મહામંત્રી અનિરુદ્ધ દવે, પ્રશાંત કોરાટ, અજય બ્રહ્મભટ્ટ અને હિતેન્દ્ર ચૌહાણ પણ બેઠકમાં ઉપસ્થિત છે. ભાજપના પીઢ નેતા સુરેન્દ્ર પટેલની પણ બેઠકમાં ખાસ હાજરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ 18 જૂને યોજાનાર રાજ્યસભા સાંસદની ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવાર, રાજકીય પરિસ્થિતિ અને રાજ્યના સંગઠનાત્મક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને યોજાયેલી આ બેઠકને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને મળેલી ભવ્ય જીત બાદ હવે આગામી રાજકીય અને સંગઠનાત્મક આયોજન અંગે ચર્ચા થઈ રહી હોવાની શક્યતા છે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસ દરમિયાન આજે અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલા સોલા ઉમિયાધામ કેમ્પસ ખાતે અદ્યતન કુમાર અને કન્યા છાત્રાલયનું ભવ્ય લોકાર્પણ કરશે. ઊંઝા કડવા પાટીદાર સમાજના ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા તૈયાર કરાયેલા આ મેગા પ્રોજેક્ટના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પાટીદાર સમાજના વરિષ્ઠ નેતાઓ પણ હાજર છે. 4.33 લાખ ચોરસ ફૂટના ભવ્ય બાંધકામ સાથે તૈયાર થયેલી આ આધુનિક હોસ્ટેલથી અભ્યાસ અર્થે આવતા 1600 વિદ્યાર્થીઓને ફાઇવ સ્ટાર જેવી સ્માર્ટ સવલતો અને UPSC-GPSCની તૈયારી માટે વૈશ્વિક સ્તરનું વાતાવરણ મળશે.
અંતમાં, ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા વિસ્તારને દેશનો સૌથી મોડેલ અને વિકસિત મતક્ષેત્ર બનાવવાની નેમ સાથે ગુજરાતના વહીવટી તંત્ર અને સ્થાનિક જનતાનો આભાર માન્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ