ઈબોલા વાયરસને લઈને પોરબંદરમાં લોકોમાં સાવચેતી રહેવા અપીલ
પોરબંદર, 28 મે (હિ.સ.) : પોરબંદર ખાતે હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઈબોલા વાયરસને લઈને લોકોમાં સાવચેતી અને જાગૃતિ રાખવા અપીલ કરવામાં આવી છે. ટ્રસ્ટના ચેરમેન રામદેવ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વિશ્વભરમાં જીવલેણ ચેપી રોગોને લઈને ફરી ચિં
ઈબોલા વાયરસને લઈને પોરબંદરમાં લોકોમાં સાવચેતી રહેવા અપીલ


પોરબંદર, 28 મે (હિ.સ.) : પોરબંદર ખાતે હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઈબોલા વાયરસને લઈને લોકોમાં સાવચેતી અને જાગૃતિ રાખવા અપીલ કરવામાં આવી છે. ટ્રસ્ટના ચેરમેન રામદેવ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વિશ્વભરમાં જીવલેણ ચેપી રોગોને લઈને ફરી ચિંતા વધી રહી છે અને લોકો આરોગ્ય બાબતે વધુ સજાગ રહે તે સમયની જરૂરિયાત બની છે.

તેમણે જણાવ્યું હતું કે ઈબોલા વાયરસ અત્યંત ગંભીર અને જીવલેણ ચેપી રોગ માનવામાં આવે છે. આ વાયરસથી દર્દીમાં ભારે તાવ, નબળાઈ, ઉલ્ટી, ઝાડા, શરીરમાં દુખાવો તેમજ કેટલાક કેસોમાં બ્લીડિંગ જેવી ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે. જોકે હાલમાં ભારતમાં ઈબોલાનો કોઈ પુષ્ટિ થયેલો કેસ નોંધાયો નથી, છતાં આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં છે અને એરપોર્ટ સહિત વિવિધ સ્થળોએ દેખરેખ વધારવામાં આવી રહી છે.

રામદેવ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આજના સમયમાં આંતરરાષ્ટ્રીય મુસાફરી વધતા કોઈપણ ચેપી રોગ ઝડપથી ફેલાઈ શકે છે. તેથી લોકોમાં જાગૃતિ અને સાવચેતી ખૂબ જ જરૂરી બની છે. ઈબોલા મુખ્યત્વે સંક્રમિત વ્યક્તિના શરીરના પ્રવાહીઓના સંપર્કથી ફેલાય છે.તેમણે લોકોને અપીલ કરી હતી કે વારંવાર હાથ ધોવાની ટેવ રાખવી, બીમાર વ્યક્તિના શરીર પ્રવાહીઓથી દૂર રહેવું, તાવ કે ચેપ જેવા લક્ષણો જણાય તો તરત તબીબી સલાહ લેવી અને સોશિયલ મીડિયા પરની અફવાઓથી દૂર રહેવું.

અંતમાં તેમણે જણાવ્યું હતું કે ગભરાવાની જરૂર નથી, પરંતુ બેદરકારી રાખવી પણ યોગ્ય નથી. યોગ્ય માહિતી, સ્વચ્છતા અને સમયસર સારવાર દ્વારા મોટા જોખમને અટકાવી શકાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande