
પોરબંદર, 28 મે (હિ.સ.) પોરબંદર શહેરમાં આવેલ અસ્માવતી ઘાટ ખાતે અધિક માસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. અધિક માસના પવિત્ર અવસરે સમુદ્ર સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી દરરોજ વહેલી સવારથી શ્રદ્ધાળુઓ સમુદ્રમાં સ્નાન માટે પહોંચે છે. શ્રદ્ધાળુઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગર મોદીએ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગને વિશેષ તકેદારી રાખવા સૂચના આપી છે.
મેયરના માર્ગદર્શન હેઠળ અસ્માવતી ઘાટ ખાતે વહેલી સવારથી ફાયર વિભાગની વિશેષ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. આ ટીમમાં 3 પ્રશિક્ષિત તરવૈયાઓ, રેસ્ક્યુ બોટ, લાઈફ જેકેટ તેમજ વિવિધ રેસ્ક્યુ સાધનો સાથે તૈનાત કરવામાં આવશે. સમુદ્રમાં સ્નાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી શકાય તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું મહાનગરપાલિકા તંત્ર દ્વારા જણાવાયું હતું.
મેયર સાગર મોદીએ જણાવ્યું હતું કે અધિક માસ દરમિયાન શ્રદ્ધાળુઓની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખી સુરક્ષા અને સાવચેતીના તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. નાગરિકો અને શ્રદ્ધાળુઓએ પણ સમુદ્ર સ્નાન દરમિયાન સાવચેતી રાખવી, ઊંડા પાણીમાં જવાનું ટાળવું અને ફાયર વિભાગ તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવેલ આ આગોતરા અને સંવેદનશીલ નિર્ણયને શહેરના નાગરિકો અને શ્રદ્ધાળુઓ દ્વારા આવકારવામાં આવ્યો છે. સુરક્ષા સાથે ધાર્મિક આસ્થાનું સંવર્ધન થાય તે માટે મહાનગરપાલિકા સતત સતર્ક રહી કામગીરી કરી રહી હોવાનું તંત્રએ જણાવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya