
કાઠમંડુ, નવી દિલ્હી, 29 મે (હિ.સ.). નેપાળ આજે સૈનિક મંચ ટુંડીખેલમાં વિશેષ સમારોહ સાથે ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે, પરંતુ આ વખતનું આયોજન એક ઐતિહાસિક ફેરફારના કારણે ખાસ ચર્ચામાં છે. નેપાળના ગણતંત્ર ઇતિહાસમાં આ પ્રથમ વખત છે, જ્યારે વડાપ્રધાને સમારોહને સંબોધિત કર્યો નથી.
પાછલા વર્ષોમાં ગણતંત્ર દિવસ સમારોહને સંબોધિત કરવાની પરંપરા વડાપ્રધાનની રહી છે, પરંતુ આ વખતે વડાપ્રધાન બાલેન્દ્ર શાહે મંત્રીપરિષદ પાસે નિર્ણય કરાવીને રાષ્ટ્રપતિને સમારોહને સંબોધિત કરવા માટે ઔપચારિક વિનંતી કરી હતી. આ માટે રાષ્ટ્રપતિ કાર્યાલયને પત્ર પણ મોકલવામાં આવ્યો હતો.
સરકારી નિર્ણય અનુસાર હવેથી ગણતંત્ર દિવસ સમારોહને રાષ્ટ્રપતિ સંબોધિત કરશે. આ નવી વ્યવસ્થા હેઠળ આ વર્ષે પણ ગણતંત્ર દિવસ સમારોહમાં રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે દેશને સંબોધિત કર્યો હતો.
ટુંડીખેલમાં આયોજિત વિશેષ સમારોહમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રીપરિષદના સભ્યો, સુરક્ષા સંસ્થાઓના વડાઓ, રાજદ્વારી પ્રતિનિધિઓ તેમજ વિવિધ વિશિષ્ટ મહાનુભાવો સહભાગી રહ્યા હતા. સમારોહમાં નેપાળી સેના, નેપાળ પ્રહરી અને સશસ્ત્ર પ્રહરી બળ દ્વારા વિશેષ પરેડ અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પણ રજૂ કરવામાં આવી હતી.
રાજકીય વિશ્લેષકોના જણાવ્યા અનુસાર ગણતંત્ર દિવસ સમારોહમાં વડાપ્રધાનના બદલે રાષ્ટ્રપતિ પાસે સંબોધન કરાવવાનો નિર્ણય, નેપાળની બંધારણીય અને ઔપચારિક પરંપરાઓમાં મહત્વપૂર્ણ ફેરફાર માનવામાં આવી રહ્યો છે. તેને રાજ્યના વડાની ભૂમિકાને વધુ પ્રાધાન્ય આપવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.
નેપાળમાં 200६માં રાજશાહીનો અંત આવ્યા પછી અને દેશને સંઘીય લોકતાંત્રિક ગણરાજ્ય જાહેર કરાયા બાદ અત્યાર સુધી ગણતંત્ર દિવસ સમારોહમાં વડાપ્રધાન જ મુખ્ય સંબોધન આપતા આવ્યા હતા. આવા સંજોગોમાં આ વર્ષની વ્યવસ્થાને ઐતિહાસિક ફેરફાર તરીકે જોવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ