નેપાળમાં ચીની કંપની સામે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો, રસ્તાના નિર્માણમાં વિલંબ બદલ પૂર્વ-પશ્ચિમ રાજમાર્ગ જામ
કાઠમંડુ, નવી દિલ્હી, 29 મે (હિ.સ.). નેપાળની ગોલબજાર નગરપાલિકામાં સ્થાનિક લોકોએ ચીની કંપની દ્વારા રસ્તાના નિર્માણમાં કરવામાં આવી રહેલા ભારે વિલંબના વિરોધમાં પૂર્વ-પશ્ચિમ રાજમાર્ગ જામ કરી દીધો. કંચનપુર–કમલા રોડ વિસ્તરણ પ્રોજેક્ટમાં ચીની કોન્ટ્રાક્ટ
નેપાળમાં ચીની કંપની સામે લોકોનો ગુસ્સો


કાઠમંડુ, નવી દિલ્હી, 29 મે (હિ.સ.). નેપાળની ગોલબજાર નગરપાલિકામાં સ્થાનિક લોકોએ ચીની કંપની દ્વારા રસ્તાના નિર્માણમાં કરવામાં આવી રહેલા ભારે વિલંબના વિરોધમાં પૂર્વ-પશ્ચિમ રાજમાર્ગ જામ કરી દીધો.

કંચનપુર–કમલા રોડ વિસ્તરણ પ્રોજેક્ટમાં ચીની કોન્ટ્રાક્ટર કંપનીની ધીમી કામગીરીને લઈને લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું અને ચીની બાંધકામ કંપની સામે નારાજગી વ્યક્ત કરી.

સ્થાનિક નાગરિકો, વેપારીઓ અને નેતાઓએ શુક્રવારે સવારે આશરે દોઢ કલાક સુધી રાજમાર્ગ અવરોધિત રાખ્યો હતો. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે ‘ચાઇના રેલવે નં. 2 એન્જિનિયરિંગ ગ્રુપ’ ને કોન્ટ્રાક્ટ મળ્યાને લગભગ સાત વર્ષ વીતી ગયા છે, પરંતુ હજી સુધી રસ્તાનું નિર્માણ પૂર્ણ થઈ શક્યું નથી, જેના કારણે સામાન્ય લોકોને રોજ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિક રહેવાસી દિનેશ નાયકે જણાવ્યું કે, હળવો વરસાદ પડતાં જ રસ્તો કાદવ-કીચડમાં ફેરવાઈ જાય છે અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ જાય છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા નથી અને ગંદા પાણી તથા કાદવના કારણે ચામડીના રોગો સહિત અનેક બીમારીઓ વધી રહી છે.

સ્થાનિક નેતા પરમેશ્વર સાહના જણાવ્યા અનુસાર, આંદોલન બાદ ચીની કંપનીના પ્રતિનિધિઓ અને સ્થાનિક જનપ્રતિનિધિઓ સાથે સમસ્યાના ઉકેલ માટે બેઠક યોજવા પર સહમતિ બની હતી, ત્યારબાદ રાજમાર્ગ ખોલવામાં આવ્યો હતો. તેમણે ચેતવણી આપી કે જો બેઠકમાંથી કોઈ સંતોષકારક ઉકેલ નહીં આવે તો ચીની કંપની સામે આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

પૂર્વ-પશ્ચિમ રાજમાર્ગ હેઠળ લહાન, ગોલબજાર અને મિર્ચૈયા જેવા બજાર વિસ્તારોમાં રસ્તાનું નિર્માણ અધૂરું રહેવાને કારણે લોકો લાંબા સમયથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) ની લોન સહાયથી બની રહેલો 86.83 કિલોમીટર લાંબો કંચનપુર–કમલા રોડ પ્રોજેક્ટ છ વર્ષ વીતી જવા છતાં અધૂરો છે. નેપાળ સરકાર અને ચીની બાંધકામ કંપની વચ્ચે મે २०२० માં થયેલા કરાર મુજબ આ પ્રોજેક્ટ નવેમ્બર २०२३ સુધીમાં પૂર્ણ થઈ જવો જોઈતો હતો.

જોકે, ચીની બાંધકામ કંપનીની ધીમી કાર્યશૈલી, નાણાકીય કટોકટી, કોરોના મહામારી, વૃક્ષો કાપવામાં વિલંબ અને વીજળીના થાંભલા હટાવવાનું કામ સમયસર ન થવાને કારણે પ્રોજેક્ટ સતત પાછો ઠેલાતો રહ્યો.

પ્રોજેક્ટની સમયમર્યાદા પહેલા 14 મહિના, પછી 12 મહિના અને ત્યારબાદ વધારાના 6 મહિના લંબાવવામાં આવી હતી, જેની મુદત આગામી ૩० જૂને પૂર્ણ થઈ રહી છે. તેમ છતાં, અત્યાર સુધીમાં કુલ ભૌતિક પ્રગતિ માત્ર 68 ટકા જ થઈ શકી છે અને 32 ટકા કામ હજી બાકી છે. આવી સ્થિતિમાં ચોથી વખત પણ સમયમર્યાદા લંબાવવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પૂર્વીય વિભાગ રોડ યોજના કચેરીના વડા નીરજ શાક્યના જણાવ્યા અનુસાર, 39.42 કિલોમીટર રસ્તામાંથી માત્ર 24.58 કિલોમીટરના ભાગમાં જ ડામરનું કામ પૂર્ણ થયું છે.

જ્યારે, પશ્ચિમી વિભાગના માહિતી અધિકારી અનુપમ કુમાર સાહે જણાવ્યું કે, 47.41 કિલોમીટરમાંથી માત્ર 35.61 કિલોમીટર રોડ પર જ કામ પૂર્ણ થઈ શક્યું છે.

બાંધકામમાં સતત વિલંબને કારણે પ્રોજેક્ટનો ખર્ચ પણ વધતો જઈ રહ્યો છે. શરૂઆતી અંદાજની સરખામણીમાં અત્યાર સુધીમાં આશરે 3 અબજ નેપાળી રૂપિયા વધારાનો ખર્ચ થઈ ચૂક્યો છે. કુલ 15 અબજ 66 કરોડ રૂપિયાના ખર્ચવાળા આ પ્રોજેક્ટમાં એડીબીની 71.22 ટકા લોન સહાય અને નેપાળ સરકારની 28.78 ટકા ભાગીદારી છે.

એડીબી નેપાળ ડિરેક્ટોરેટના માહિતી અધિકારી ધ્રુવ કુમાર શ્રેષ્ઠના જણાવ્યા અનુસાર, ટેકનિકલ દેખરેખ, કન્સલ્ટન્ટ સેવા વિસ્તરણ અને સાઇટ મેનેજમેન્ટ પર વધારાના ખર્ચને કારણે અત્યાર સુધીમાં પ્રોજેક્ટ ખર્ચમાં 18.98 ટકા એટલે કે 2 અબજ 97 કરોડ 22 લાખ રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande