પ્રેમસંબંધની શંકાએ લોહિયાળ અંત: ગઢશીશા મર્ડર કેસમાં કલાકોમાં આરોપી પોલીસના જાળમાં
કચ્છ, 04 મે (હિ.સ.) : કચ્છ જિલ્લાના ગઢશીશા ગામે બનેલી હત્યાની ચકચારી ઘટનામાં ગઢશીશા પોલીસ સ્ટેશને ઝડપી અને દમદાર કામગીરી કરીને આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી પાડતા કાયદો-વ્યવસ્થાની સજાગતા ફરી એકવાર સાબિત કરી છે. મફતનગર વિસ્તારમાં બનેલા આ લોહિયાળ બ
ગઢશીશા ખૂન કેસનો આરોપી


કચ્છ, 04 મે (હિ.સ.) : કચ્છ જિલ્લાના ગઢશીશા ગામે બનેલી હત્યાની ચકચારી ઘટનામાં ગઢશીશા પોલીસ સ્ટેશને ઝડપી અને દમદાર કામગીરી કરીને આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી પાડતા કાયદો-વ્યવસ્થાની સજાગતા ફરી એકવાર સાબિત કરી છે. મફતનગર વિસ્તારમાં બનેલા આ લોહિયાળ બનાવે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી દીધી હતી, પરંતુ પોલીસે વિલંબ કર્યા વિના આરોપીને ઝડપી લઈને ગુનાનો પર્દાફાશ કર્યો છે.

મળતી વિગતો અનુસાર ગઢશીશા ગામના મફતનગર વિસ્તારમાં રહેતા આદિલ અબ્બાસ આરત્રી (ઉ.વ. 36) પર સલીમ સુવારભાઈ કુંભાર (ઉ.વ. 32) નામના ઇસમએ ધારદાર હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે આદિલનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અચાનક બનેલી આ ઘટનાથી ગામમાં દહેશતનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિકોમાં ભય સાથે રોષ પણ જોવા મળ્યો હતો.

પ્રાથમિક પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સલીમને પોતાની પત્ની અને મૃતક આદિલ વચ્ચે અયોગ્ય સંબંધ હોવાની શંકા હતી. છેલ્લા કેટલાક સમયથી મનમાં વેરઝેર અને શંકાનો ઝેર ભરાતો જતા આખરે આ શંકાએ જ હત્યા જેવા ગંભીર ગુનાને જન્મ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. વ્યક્તિગત અદાવત અને કુટુંબજ જીવનમાં ઘૂસી આવેલી શંકાએ એક જીવ લઈ લીધો અને એક પરિવારને શોકમાં ધકેલી દીધો છે.

બનાવની જાણ થતાં જ ગઢશીશા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.જે. રાણા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ અલગ ટીમો સક્રિય બની ગઈ હતી. ઘટનાસ્થળનું વૈજ્ઞાનિક નિરીક્ષણ, સ્થાનિક લોકોના નિવેદનો, આરોપીના સંભવિત ઠેકાણાઓ પર નજર અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસે ઝડપથી દિશા નક્કી કરી હતી. જેના પરિણામે બનાવના ગણતરીના કલાકોમાં જ આરોપી સલીમ સુવારભાઈ કુંભારને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

પોલીસે આરોપીની ધરપકડ સાથે ગુનામાં ઉપયોગમાં લેવાયેલ ધારદાર હથિયાર પણ કબ્જે લઈ મહત્વના પુરાવાઓ એકત્રિત કર્યા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસની સતર્કતા અને સમયસરની એક્શનને કારણે આરોપી ભાગી છૂટે તે પહેલાં જ કાયદાના હવાલે થઈ ગયો હતો. જેના કારણે ગ્રામજનોમાં પણ પોલીસ કામગીરી પ્રત્યે વિશ્વાસ મજબૂત બન્યો છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગઢશીશા પોલીસ સ્ટાફે સંકલિત રીતે આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. હત્યાની ગંભીર ઘટનામાં ઝડપથી આરોપીની ધરપકડ થતાં જિલ્લાભરમાં આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે. એક તરફ પ્રેમસંબંધની શંકાએ માનવીને હત્યા સુધી ધકેલી દીધો, તો બીજી તરફ પોલીસની ત્વરિત કામગીરીએ ગુનાખોરી સામે કડક સંદેશ આપ્યો છે કે કાયદાના હાથ લાંબા છે અને કોઈ પણ આરોપી વધુ સમય સુધી બચી શકશે નહીં.

આ બનાવે ફરી એકવાર સમાજ સામે પ્રશ્ન ઊભો કર્યો છે કે અવિશ્વાસ, શંકા અને વ્યક્તિગત વિવાદો જો સમયસર સમજદારીથી ન સંભાળવામાં આવે તો તેનું પરિણામ કેટલું ભયાનક બની શકે છે. હાલ ગઢશીશા પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande