ગાંધીધામ બી ડિવિઝન વિસ્તારમાં બાવળની ઝાડીમાંથી લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત, યુવક ઝડપાયો
કચ્છ, 04 મે (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં પ્રોહીબીશનના ગુનાઓને નેસ્તનાબૂદ કરવા પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વધુ એક અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસએ મીઠીરોહર જી.આઈ.ડી.સી. વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢી એક યુવકને
વિદેશી દારૂ સાથે ઝડપાયેલ આરોપી


કચ્છ, 04 મે (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં પ્રોહીબીશનના ગુનાઓને નેસ્તનાબૂદ કરવા પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વધુ એક અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસએ મીઠીરોહર જી.આઈ.ડી.સી. વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢી એક યુવકને રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી વિદેશી દારૂની કુલ 103 બોટલો, મોટર સાયકલ અને મોબાઇલ સહિત કુલ રૂપિયા 1,07,970નો મુદામાલ કબ્જે કર્યો છે.

સર્વેલન્સ સ્ટાફ ગાંધીધામ હાઇવે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે મીઠીરોહર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી Ruchi Soya કંપનીની સામે બાવળોની ઝાડીમાં કોઈ શખ્સ વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખી વેચાણ કરવાની તૈયારીમાં હોવાની ચોક્કસ બાતમી મળી હતી. પોલીસ ટીમે તરત જ સ્થળ પર પહોંચી રેઇડ ગોઠવી હતી. બાવળની ઝાડીમાં તપાસ કરતા એક શંકાસ્પદ યુવક સાથે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે તેને કાબૂમાં લીધો હતો.

પકડાયેલા આરોપીની ઓળખ પૃથ્વીસિંગ લક્ષ્મણસિંગ ભાટી (ઉંમર 20), રહેવાસી બાગેશ્વરી ટાઉનશીપ નંબર-5, અંજાર તરીકે થઈ છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપી આ દારૂનો જથ્થો છુપાવી રાખી સ્થાનિક સ્તરે વેચાણ કરવાની તૈયારીમાં હોવાનું બહાર આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપી સામે પ્રોહીબીશનની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે સ્થળ પરથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 103 બોટલો કબ્જે કરી છે જેમાં ઇમ્પિરિયલ બ્લુ, રોયલ સ્ટેગ, બ્લેન્ડર્સ પ્રાઇડ, રોયલ ચેલેન્જ અને સિગ્નેચર જેવી મોંઘી બ્રાન્ડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આરોપી પાસેથી GJ-12-EH-0634 નંબરની મોટર સાયકલ તથા એક મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ રૂપિયા 1.07 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે પોતાના કબજામાં લીધો છે.

ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસની આ સફળ કામગીરીથી શહેર અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં દારૂના ગેરકાયદે વેપાર સાથે જોડાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ખાસ કરીને ઔદ્યોગિક ઝોનમાં બાવળની ઝાડીઓ અને સુમસામ વિસ્તારોનો ઉપયોગ કરીને દારૂનું સ્ટોકિંગ કરવામાં આવતું હોવાની આશંકા વચ્ચે પોલીસ હવે આવા વિસ્તારોમાં વધુ ચાંપતી નજર રાખશે. પૂર્વ કચ્છ પોલીસની સતત સઘન કામગીરીથી પ્રોહીબીશનના કેસોમાં નોંધપાત્ર ઘટાડો લાવવાનો પ્રયાસ તેજ બન્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande