ઉત્તર પ્રદેશમાં થયેલા માર્ગ અકસ્માતોમાં 18 લોકોનાં મોત, 27 ઘાયલ
- મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માતો પર દુઃખ વ્યક્ત કર્યું લખનૌ, નવી દિલ્હી, 04 મે (હિ.સ.). ઉત્તર પ્રદેશમાં સોમવારનો દિવસ માર્ગ અકસ્માતોની દ્રષ્ટિએ ખૂબ જ દુઃખદ રહ્યો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં થયેલા અકસ્માતોમાં અત્યાર સુધીમાં
સાંકેતિક


- મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માતો પર દુઃખ વ્યક્ત કર્યું

લખનૌ, નવી દિલ્હી, 04 મે (હિ.સ.). ઉત્તર પ્રદેશમાં સોમવારનો દિવસ માર્ગ અકસ્માતોની દ્રષ્ટિએ ખૂબ જ દુઃખદ રહ્યો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં થયેલા અકસ્માતોમાં અત્યાર સુધીમાં 18 લોકોનાં મોત થયાં છે, જ્યારે 27 લોકો ઘાયલ છે. આંબેડકર નગરમાં થયેલા અકસ્માતમાં આઠ લોકોનાં મોત થયાં છે, જ્યારે જાલૌનમાં અયોધ્યાથી દર્શન કરીને પરત ફરી રહેલા કાર સવાર એક જ પરિવારના છ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સિવાય રાયબરેલી, બુલંદશહેર, બસ્તી અને ફતેહપુર જિલ્લામાં થયેલા અકસ્માતોમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અકસ્માતોમાં થયેલી જાનહાનિ પર પોતાની શોક સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે જ, તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે ઘાયલોને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવામાં આવે.

જાલૌન જિલ્લાના ઝાંસી-કાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ-27 પર કાલપી કોતવાલી વિસ્તારના 84 ગુંબજ નામના સ્થળ પાસે સોમવારે સવારે એક પુરપાટ ઝડપે આવતી ટવેરા કારે પાછળથી ટ્રકમાં જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં એક જ પરિવારના છ લોકોનાં મોત થયાં છે, જ્યારે અન્ય 4 ગંભીર રીતે ઘાયલ છે. આ તમામ અયોધ્યાથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. મૃતકોમાં લલિતપુરના મહરોની નિવાસી શશિકાંત તિવારી, કૃષ્ણકાંત નાયક, દીપક તિવારી, હરિમોહન તિવારી, ભૂષણ તિવારી અને અંશુલ તિવારી સામેલ છે. અન્ય ચાર ઘાયલ છે. પ્રાથમિક તપાસમાં ડ્રાઈવરને ઊંઘ આવી જવી એ અકસ્માતનું કારણ જણાાઈ રહ્યું છે. પોલીસ મામલાની વિગતવાર તપાસ કરી રહી છે. ટ્રકને કબજે કરવામાં આવી છે.

એવી જ રીતે આંબેડકરનગર જિલ્લાના જલાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં બે ભાઈઓ સહિત આઠ લોકોનાં મોત થયાં છે. પોલીસે તમામ મૃતકોની ઓળખ કરી લીધી છે. મૃતકોમાં આંબેડકરનગરના લોરપુર તાજન/સૈદાપુર નિવાસી કૈફી (32), સેમરા કટકા નિવાસી ઉત્તમ કુમાર (24), જૈનાપુર નિવાસી આદિત્ય કુમાર (25), તેનો ભાઈ દિવ્યાંશુ (22), પટ્ટી મુઈથન નિવાસી લાલચંદ (24), સિકંદરપુર સમ્મનપુર નિવાસી રાજુ ગુપ્તા (32), સાહિલ (28) અને ઇન્દ્રેશ (30) સામેલ છે.

રાયબરેલી જિલ્લામાં સલોન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતા ગંગા એક્સપ્રેસ-વે પર રવિવારે મોડી રાત્રે એક પુરપાટ ઝડપે આવતા લોડરે એક ટ્રેક્ટરને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનું મોત થયું છે, જ્યારે બંને વાહનોમાં સવાર પાંચ લોકો ઘાયલ થયા છે. પોલીસે મૃતકની ઓળખ ઊંચાહારના ઇન્દર કા પુરવા મજરે મિર્ઝાપુર એહારી નિવાસી મનોજ પાલ (35) તરીકે કરી છે. ટ્રેક્ટર પર બેઠેલા પ્રકાશ નારાયણ મિશ્રા, શિવકુમાર પાલ, અંકેશ કુમાર રૈદાસ અને પીકઅપમાં સવાર પંજાબના પટિયાલાના રહેવાસી નરમજીત અને શત્રુ ગંભીર રીતે ઘાયલ થયા છે.

એવી જ રીતે બસ્તી જિલ્લાના રુધૌલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વિશુનપુરવા ચોકી પાસે સોમવારે એક પુરપાટ ઝડપે આવતા ડમ્પરે રસ્તા પર જઈ રહેલા ત્રણ ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં ટેમ્પો સવાર ઓમપ્રકાશનું મોત થયું છે, જ્યારે 15 મુસાફરો ઘાયલ થયા છે. તેમાંથી ત્રણ લોકોની હાલત ગંભીર હોવાથી તેમને લખનૌ રિફર કરવામાં આવ્યા છે. ભીડે ડમ્પર ચાલકને પકડીને માર માર્યા બાદ પોલીસને સોંપી દીધો હતો. આ ઉપરાંત ફતેહપુરના ખખરેરુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દામપુર રોડ પર રવિવારે મોડી રાત્રે બે બાઇક સામસામે અથડાઈ હતી. અકસ્માતમાં બાઇક સવાર બબ્લુનું મોત થયું છે. જ્યારે રાજુ, મોનુ અને ગુડિયા ઘાયલ છે, જેમને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.

બુલંદશહેર જિલ્લાના અહમદગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે પહાસૂ-શિકારપુર માર્ગ પર કરિયાવલી ગામ પાસે માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહમદગઢ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વિસમ્ભર દયાળે જણાવ્યું કે, અકસ્માતમાં ચાર વર્ષના માસૂમ બાળક શાંતનુનું મોત થયું છે, જ્યારે તેના પિતા બંટી ગંભીર રીતે ઘાયલ થયા છે. ગુસ્સે ભરાયેલા ગ્રામીણોએ રોડ પર મૃતદેહ મૂકીને પહાસૂ-શિકારપુર માર્ગ જામ કરી દીધો હતો. અધિકારીઓની સમજાવટ બાદ પોલીસ જામ ખોલાવી શકી હતી.

હિન્દુસ્થાન સમાચાર / દીપક / ડૉ. રાજેશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande