મિયામી ગ્રાં પ્રી 2026: કિમી એન્ટોનેલીએ ઈતિહાસ રચ્યો, સતત ત્રીજી જીત નોંધાવી
મિયામી ગાર્ડન્સ, નવી દિલ્હી, 04 મે (હિ.સ.) ફોર્મ્યુલા-1 માં 19 વર્ષીય મર્સિડીઝ ડ્રાઈવર કિમી એન્ટોનેલીએ, ઈતિહાસ રચતા રવિવારે મિયામી ગ્રાં પ્રી 2026 જીતી લીધી છે. આ સાથે જ તેઓ પોતાની પ્રથમ ત્રણેય રેસ પોલ પોઝિશન પરથી જીતનારા પ્રથમ ડ્રાઈવર બની ગયા છે.
મર્સિડીઝ ડ્રાઈવર કિમી એન્ટોનેલી


મિયામી ગાર્ડન્સ, નવી દિલ્હી, 04 મે (હિ.સ.) ફોર્મ્યુલા-1 માં 19 વર્ષીય મર્સિડીઝ ડ્રાઈવર કિમી એન્ટોનેલીએ, ઈતિહાસ રચતા રવિવારે મિયામી ગ્રાં પ્રી 2026 જીતી લીધી છે. આ સાથે જ તેઓ પોતાની પ્રથમ ત્રણેય રેસ પોલ પોઝિશન પરથી જીતનારા પ્રથમ ડ્રાઈવર બની ગયા છે. આ તેમની સતત ત્રીજી જીત છે અને તેઓ આ સીઝનમાં ચેમ્પિયનશિપના પ્રબળ દાવેદાર બની ગયા છે.

જીત નોંધાવ્યા બાદ એન્ટોનેલીએ કહ્યું, “આ તો માત્ર શરૂઆત છે, આગળની સફર લાંબી છે. ટીમ શાનદાર કામ કરી રહી છે, હું આ જીતનો આનંદ માણીશ અને ફરી કામ પર પરત ફરીશ.”

આ સીઝનમાં મર્સિડીઝ ટીમનું વર્ચસ્વ ચાલુ છે. કિમી એન્ટોનેલી અને તેમના સાથી જ્યોર્જ રસેલે મળીને આ સીઝનની શરૂઆતની ચારેય રેસ અને તમામ પોલ પોઝિશન પોતાના નામે કરી છે. જોકે સ્પ્રિન્ટ રેસમાં લેન્ડો નોરિસ અને ઓસ્કર પિયાસ્ત્રીની જોડીએ પ્રથમ અને બીજું સ્થાન મેળવ્યું હતું.

ટીમના પ્રમુખ ટોટો વોલ્ફે એન્ટોનેલીના વખાણ કરતા કહ્યું, “આજે ફરિયાદ કરવા જેવી કોઈ વાત નહોતી, શાનદાર પ્રદર્શન.”

ભીના ટ્રેક પર શરૂ થયેલી આ રેસમાં ફેરારીના ચાર્લ્સ લેક્લેરે શાનદાર શરૂઆત કરતા સરસાઈ મેળવી હતી, જ્યારે રેડ બુલના મેક્સ વેરસ્ટેપેન ટક્કર બાદ સ્પિન થઈને પાછળ રહી ગયા હતા.

જોકે એન્ટોનેલીએ પાંચમા લેપમાં ફરીથી સરસાઈ મેળવી લીધી અને ત્યારબાદ અંત સુધી તેને જાળવી રાખી. પિટ સ્ટોપ દરમિયાન તેમણે લેન્ડો નોરિસને પાછળ છોડીને રેસ પર નિયંત્રણ મેળવી લીધું હતું.

ટોપ ફિનિશર્સ

પ્રથમ: કિમી એન્ટોનેલી

બીજું: લેન્ડો નોરિસ

ત્રીજું: ઓસ્કર પિયાસ્ત્રી

ચોથું: જ્યોર્જ રસેલ

પાંચમું: મેક્સ વેરસ્ટેપેન

છઠ્ઠું: ચાર્લ્સ લેક્લેર

સાતમું: લુઈસ હેમિલ્ટન

અકસ્માતો પણ થયા

રેસ દરમિયાન ઈસૈક હડજારની કાર દીવાલ સાથે અથડાઈ હતી, જેના કારણે તેઓ બહાર થઈ ગયા હતા. જ્યારે પિયરે ગેસ્લીની કાર પલટી ગઈ હતી, જોકે તેઓ સુરક્ષિત બહાર નીકળી આવ્યા હતા.

હવે આગામી રેસ કેનેડિયન ગ્રાં પ્રી હશે, જે 24 મેના રોજ મોન્ટ્રિયલના સર્કિટ ગિલ્સ વિલનેવમાં યોજાશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande