યુવાનોએ દેખાડાથી દૂર રહીને પોતાના મૂળ સાથે જોડાવું જોઈએ: ડૉ. ભટનાગર
નવી દિલ્હી, 05 મે (હિ.સ.). સંગીતકાર અને દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર ડૉ. મધુર લતા ભટનાગરે જણાવ્યું હતું કે, યુવાનો દેખાડાથી દૂર રહીને પોતાના મૂળ સાથે જોડાય અને એવા કાર્યો કરે જેનાથી સમાજનું પણ ભલું થાય. ડૉ. ભટનાગરે મંગળવારે હિન્દુસ્થાન સમાચ
સંગીતકાર અને દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર ડૉ. મધુર લતા ભટનાગર-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 05 મે (હિ.સ.). સંગીતકાર અને દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર ડૉ. મધુર લતા ભટનાગરે જણાવ્યું હતું કે, યુવાનો દેખાડાથી દૂર રહીને પોતાના મૂળ સાથે જોડાય અને એવા કાર્યો કરે જેનાથી સમાજનું પણ ભલું થાય.

ડૉ. ભટનાગરે મંગળવારે હિન્દુસ્થાન સમાચારને જણાવ્યું હતું કે, દિલ્હી સ્થિત ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર (આઈજીએનસીએ) ખાતે ચાલી રહેલા દિલ્હી આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (ડીઆઈએફએફ) 2026 દરમિયાન, 7 મેના રોજ તેમની શોર્ટ ફિલ્મ 'મ્યુઝિક ઓફ નેચર' પ્રદર્શિત કરવામાં આવશે, જે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપશે. તેમની આ 8 મિનિટની ફિલ્મ માનવીય પાત્રોથી મુક્ત છે. તેમાં માત્ર વૃક્ષો-છોડ, ઝરણાં, પહાડો, વાદળો અને ચંદ્ર-તારાઓને જ 'કલાકાર' તરીકે રજૂ કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું, ફૂલો-છોડ ઝૂમે છે અને ગાય છે, ઝરણાંના વહેણમાં પણ એક લય છે. મેં આ જ કુદરતી સંગીતને સાચવ્યું છે જેથી કરીને વિશ્વભરમાં જે વૃક્ષો કપાઈ રહ્યા છે, તેમને રોકી શકાય અને લોકો કુદરતનું મહત્વ સમજે. ફિલ્મમાં કોયલ અને મોરના અસલી અવાજોની સાથે વાંસળી અને અન્ય વાદ્યોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મુલાકાત દરમિયાન ડૉ. ભટનાગરે પોતાના ગૌરવશાળી ભૂતકાળને વાગોળતા જણાવ્યું હતું કે, તેઓ પ્રથમ સંગીતકાર હતા જેમણે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની કવિતાઓને સંગીતબદ્ધ કરી હતી.

તેમણે જણાવ્યું કે, આઝાદીના 50માં વર્ષની ઉજવણી નિમિત્તે મંડી હાઉસ સ્થિત રશિયન સાંસ્કૃતિક કેન્દ્રમાં સ્વયં અટલજીની હાજરીમાં તેમના ગીતોની કેસેટનું વિમોચન થયું હતું. તેમણે અટલજીની પ્રસિદ્ધ રચનાઓ જેવી કે, વિશ્વ શાંતિ કે હમ સાધક હૈ, જંગ ન હોને દેંગે, ઉનકી યાદ કરેં અને ભારત કા મસ્તક કભી નહીં ઝુકેગા ને પોતાની ધૂનથી સજાવી છે.

મૂળ મુરાદાબાદના રહેવાસી અને દિલ્હીને પોતાની કર્મભૂમિ બનાવનાર ડૉ. ભટનાગરે સંગીતમાં પીએચડી કર્યું છે. તેમના દ્વારા લખાયેલા સંશોધન ગ્રંથો આજે પણ યુનિવર્સિટીઓમાં ભણાવવામાં આવે છે. તાજેતરમાં 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ અને બંધારણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે દૂરદર્શન દ્વારા તેમના પાંચ ગીતોનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.

આજની 'રીલ્સ' અને સોશિયલ મીડિયાવાળી પેઢીને સંદેશ આપતા ડૉ. ભટનાગરે કહ્યું કે, કલામાં સામાજિક ઉદ્દેશ્ય હોવો અનિવાર્ય છે. તેમણે કહ્યું, કોઈપણ કલાનું કાર્ય એવું હોવું જોઈએ જેમાં સામાજિક સંદેશ હોય. યુવાનોએ માત્ર ભૌતિકવાદી દેખાડા પાછળ ન ભાગવું જોઈએ પરંતુ પોતાના મૂળ સાથે જોડાવું જોઈએ.

ડૉ. ભટનાગર, હાલમાં ધ્રુપદ અને ધમાર જેવી લુપ્ત થતી શાસ્ત્રીય શૈલીઓના સંરક્ષણ માટે પણ કાર્ય કરી રહ્યા છે. તેમની યુટ્યુબ ચેનલ 'મધુર લતા' તેમના ભજનો, ગઝલો અને શાસ્ત્રીય સંગીતના પ્રેમીઓ માટે એક મોટું મંચ બની ગઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અનૂપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande