
નવી દિલ્હી, 06 મે (હિ.સ.)। ભારતની પોતાની પ્રથમ રાજકીય મુલાકાતે મંગળવારે સાંજે નવી દિલ્હી પહોંચેલા વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામનું, બુધવારે રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ લામ અને વડાપ્રધાન મોદી વચ્ચે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય વાર્તા યોજાનાર છે.
સ્વાગત બાદ રાષ્ટ્રપતિ તો લામે, રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ હૈદરાબાદ હાઉસમાં રાષ્ટ્રપતિ તો લામ સાથે મુલાકાત કરી. વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ લામ સાથે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓની સાથે સાથે પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરશે.
વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામ, ભારતની પોતાની પ્રથમ રાજકીય મુલાકાતે મંગળવારે સાંજે નવી દિલ્હી પહોંચ્યા. ભારત-વિયેતનામ આ વર્ષે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના 10 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી રહ્યા છે. વિયેતનામના રાષ્ટ્રપતિની ભારત યાત્રા બિહારના બોધગયાથી શરૂ થઈ હતી. રાષ્ટ્રપતિ લામે બોધગયાના મહાબોધિ મંદિરમાં પ્રાર્થના કરી.
વડાપ્રધાન મોદીના આમંત્રણ પર, વિયેતનામ કમ્યુનિસ્ટ પાર્ટીની કેન્દ્રીય સમિતિના મહાસચિવ અને વિયેતનામના રાષ્ટ્રપતિ લામ 5 થી 7 મે સુધી ભારતની રાજકીય મુલાકાતે રહેશે. તેમની સાથે વિયેતનામ સરકારના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. રાષ્ટ્રપતિ લામ તેમની ભારત યાત્રા દરમિયાન મુંબઈની પણ મુલાકાત લેશે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ