₹398 કરોડના સાયબર ફ્રોડ કેસમાં, 14 આરોપીઓના જામીન નામંજૂર
પાટણ, 13 જૂન (હિ.સ.) ગુજરાત સરકારના ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ પાટણ સાયબર ક્રાઈમ પોલીસે ₹398.43 કરોડના મેગા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં પાટણની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે, 14 આરોપીઓની જામીન અરજીઓ ફગાવી દીધી છે. કોર્ટે
₹398 કરોડના સાયબર ફ્રોડ કેસમાં 14 આરોપીઓના જામીન નામંજૂર


પાટણ, 13 જૂન (હિ.સ.)

ગુજરાત સરકારના ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ પાટણ સાયબર ક્રાઈમ પોલીસે ₹398.43 કરોડના મેગા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં પાટણની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે, 14 આરોપીઓની જામીન અરજીઓ ફગાવી દીધી છે.

કોર્ટે નોંધ્યું કે, આરોપીઓએ માસિક કમિશન અને નજીવા આર્થિક લાભની લાલચમાં, પોતાના બેંક ખાતા અને સીમકાર્ડ મુખ્ય સૂત્રધારોને સોંપી દીધા હતા, જેના કારણે દેશભરમાં અનેક લોકો સાથે છેતરપિંડી થઈ હતી.

અદાલતના જણાવ્યા મુજબ, આવા મ્યુલ એકાઉન્ટ્સ દ્વારા લોકોની મહેનતની કમાણી ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરવામાં આવી હતી. સમાજ પર ગંભીર અસર પાડતા આવા ગુનાઓમાં આરોપીઓને સહેલાઈથી જામીન આપી શકાય નહીં.

પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે, હારીજ નાગરિક સહકારી બેંકમાં ખોલાયેલા 13 શંકાસ્પદ ખાતાઓ મારફતે ₹398.43 કરોડના ગેરકાયદે વ્યવહારો થયા હતા. આ ખાતાઓ સામે દેશભરમાં 228 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ છે.

આરોપીઓ ભોળા લોકોને કમિશનની લાલચ આપી, ખાતા ખોલાવતા અને તેમની બેંકિંગ કિટ, ચેકબુક, કોરા સહીવાળા ચેક તથા ઇન્ટરનેટ બેંકિંગ વિગતો મેળવી લેતા હતા. આ ખાતાઓનો ઉપયોગ ઓટીપી ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ, સેક્સટોર્શન અને ઓનલાઇન જુગારના નાણાં ટ્રાન્સફર કરવા માટે થતો હતો.

પોલીસે 13 ખાતાધારકો અને 7 વચેટિયાઓ સહિત, કુલ 20 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. હાલમાં 14 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને તમામને જેલહવાલે કરવામાં આવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande