
ભાવનગર, 13 જૂન (હિ.સ.)ભાવનગર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આર.ટી.ઓ.) દ્વારા વાહન માલિકો માટે બાકી રહેલા સિલ્વર અને ગોલ્ડ શ્રેણીના ફેન્સી વાહન નંબરોની ઓનલાઈન ઈ-ઓક્શન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ હરાજી અંતર્ગત ટ્રાન્સપોર્ટ વાહનો (થ્રી-વ્હીલર સિવાય) માટેની “GJ-04-AX 0001 થી 9999”, હળવા મોટર વાહનો (PVT. LMV CAR) માટેની “GJ-04-FA 0001 થી 9999” તેમજ દ્વિચક્રી વાહનો (મોટરસાયકલ અને સ્કૂટર) માટેની “GJ-04-FD 0001 થી 9999” શ્રેણીના બાકી રહેલા સિલ્વર અને ગોલ્ડ નંબરો ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ ઈ-ઓક્શનમાં ભાગ લેવા ઈચ્છુક અરજદારો તા. 19 જૂન 2026 થી 21 જૂન 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. ત્યારબાદ તા. 21 જૂનથી 23 જૂન 2026ના રોજ બપોરે 4 વાગ્યા સુધી ઓનલાઈન બિડિંગની પ્રક્રિયા ચાલુ રહેશે.
હરાજીમાં ભાગ લેવા માટે અરજદારે વાહન પોર્ટલ પર નોંધણી કરાવી યુઝર આઈડી અને પાસવર્ડ બનાવવાનો રહેશે. નોંધણી, બિડિંગ તથા ચૂકવણી સહિતની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન જ કરવામાં આવશે. વાહન ખરીદી બાદ 7 દિવસની અંદર CNA ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. હરાજીમાં સફળ થયેલા અરજદારે પરિણામ જાહેર થયાના પાંચ દિવસની અંદર સંપૂર્ણ રકમ જમા કરાવવાની રહેશે. નિર્ધારિત સમયમર્યાદામાં ચૂકવણી નહીં કરવામાં આવે તો મૂળ જમા કરાવેલી રકમ જપ્ત કરવામાં આવશે અને નંબરની ફરી હરાજી કરવામાં આવશે.
હરાજીમાં નિષ્ફળ રહેલા અરજદારોને તેમણે જે માધ્યમથી ચૂકવણી કરી હશે તે જ માધ્યમ દ્વારા રકમ પરત કરવામાં આવશે. ઓનલાઈન ઈ-ઓક્શન સંબંધિત તમામ શરતો, પ્રક્રિયા અને અંતિમ નિર્ણયની સત્તા ભાવનગરના પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી પાસે રહેશે. વધુ માહિતી માટે અરજદારોને સત્તાવાર માર્ગદર્શિકા અને Appendix-Aનો અભ્યાસ કરવા સૂચના આપવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA