
ભાવનગર, 13 જૂન (હિ.સ.)ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નવા સાંગાણા સહિત આસપાસના અનેક ગામોમાં આ વર્ષે શેરડીની ખેતી કરતા ખેડૂતોમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વર્ષોથી પરંપરાગત પાકોની ખેતી કરતા ખેડૂતો હવે વધુ નફાકારક વિકલ્પ તરીકે શેરડીની ખેતી તરફ વળી રહ્યા છે. આ વર્ષે શેરડીના બજારભાવમાં નોંધપાત્ર વધારો થતાં ખેડૂતોને સારો આર્થિક લાભ મળ્યો છે, જેના કારણે સમગ્ર પંથકમાં ખુશીની લહેર પ્રસરી છે.ખેડૂતોના જણાવ્યા મુજબ આ વર્ષે શેરડીના ભાવ રૂ. 125 થી લઈને રૂ. 185 પ્રતિ મણ સુધી મળ્યા છે.
ચાલુ વર્ષે બજારમાં શેરડીની માંગ વધતા અને ઉત્પાદનની ગુણવત્તા સારી રહેતા ખેડૂતોને ઐતિહાસિક ભાવ મળ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 20 વર્ષ માં જે ભાવ નથી મળ્યા તે ભાવ આ વર્ષે મળ્યા છે.ઘણા ખેડૂતો જણાવે છે કે ખાતર, મજૂરી અને સિંચાઈના ખર્ચમાં સતત વધારો થતો હોવા છતાં શેરડીના સારા ભાવ મળતા તેમની મહેનતનું યોગ્ય વળતર મળ્યું છે.શેરડીના સારા ભાવને ધ્યાનમાં રાખીને આવતા વર્ષે તળાજા પંથકમાં મોટા પ્રમાણમાં શેરડીનું વાવેતર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જે ખેડૂતો હાલમાં શેરડીની ખેતી કરી રહ્યા છે તેઓ પોતાના વાવેતર વિસ્તારમાં વધારો કરવા માટેનું આયોજન કરી રહ્યા છે અને અનેક ખેડૂતોએ વાવેતર પણ કરી દીધું છે
આ અંગે સરવૈયા સિધ્ધરાજસિંહ જણાવ્યું કે અમારા તળાજા પંથકમાં અનેક ખેડૂતો શેરડીની ખેતી કરી તેમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે શરૂઆતમાં શેરડીનો ખૂબ ઓછું વાવેતર ખેડૂતો કરતા હતા પરંતુ આજે અનેક ખેડૂતો પરંપરાગત છોડી શેરડીની ખેતી કરવા લાગ્યા છે ખાસ કરીને છેલ્લા 20 વર્ષમાં શેરડીનો ભાવ ન મળ્યો હોય તેવો આ વર્ષે શેરડીનો ભાવ મળ્યો છે. વધુમાં વધુ 185 રૂપિયા પ્રતિમણે ભાવ મળ્યા છે. ખાસ કરીને ઉનાળાની ઋતુ દરિયા લોકો હવે અન્ય ઠંડા પીણા ના બદલે શેરડીનો રસ પીવાનું વધુ પસંદ કરી રહ્યા છે જેથી ખેડૂતોને પણ ફાયદો થઈ રહ્યો છે અને પુષ્કળ પ્રમાણમાં શેરડીનું વેચાણ થઈ રહ્યું છે.
આ અંગે ખેડૂત નિર્મળસિંહ જણાવ્યું કે હું છેલ્લા ઘણા વર્ષોથી શેરડીની ખેતી કરી રહ્યો છું દર વર્ષે શેરડીમાં 130 રૂપિયાની આસપાસ ભાવ મળતા હોય છે પરંતુ આ વર્ષે છેલ્લા 20 વર્ષમાં ભાવ ન મળ્યા હોય તેવા ભાવ મળ્યા છે આ વર્ષે 125 રૂપિયાથી લઈને 185 રૂપિયા પ્રતિમણે ભાવ મળ્યા છે. ભાવ સારા મળવાના કારણે આ વર્ષે મારી જેમ મને તો ખેડૂતોએ શેરડીનું વાવેતર પણ વધાર્યું છે અને આવતા વર્ષે પણ ખેડૂતોને આવા સારા ભાવ મળશે તેવી આશા રાખીએ છીએ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA