
બોટાદ, 13 જૂન (હિ.સ.) : બોટાદ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા ક્ષયરોગ અને રક્તપિત્ત જેવા ચેપી રોગોના નિયંત્રણ માટે વિવિધ કાર્યક્રમો સક્રિય રીતે અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત જિલ્લા ક્ષય અધિકારી (DTO) દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) જાળીલાની મુલાકાત લઈ ચાલી રહેલી આરોગ્ય સેવાઓ અને રોગ શોધ અભિયાનની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
મુલાકાત દરમિયાન પી.એચ.સી. ખાતે કાર્યરત લેબોરેટરી ટેકનિશિયનને ટ્રુનાટ (TrueNat) ટેસ્ટિંગ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ક્ષયરોગના દર્દીઓની સમયસર અને સચોટ ઓળખ માટે ટ્રુનાટ ટેસ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ હોવાથી તેના અસરકારક ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત, નક્કી કરાયેલા લક્ષ્યાંકો મુજબ ફાલ્કન, ચંદરવા અને વેજલકા ગામોમાં ચાલી રહેલા રક્તપિત્ત શોધ અભિયાનની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી.
આ અભિયાન અંતર્ગત આરોગ્ય ટીમો દ્વારા ગામડાઓમાં ઘરે-ઘરે જઈ રક્તપિત્તના સંભવિત લક્ષણો ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી રહી છે. જિલ્લા ક્ષય અધિકારીએ કેમ્પેઇન ટીમ સાથે રૂબરૂ મુલાકાત કરી અને શંકાસ્પદ વ્યક્તિઓની તપાસની પ્રક્રિયાની સમીક્ષા કરી હતી. તેમણે આરોગ્ય કર્મચારીઓને દર્દીઓની યોગ્ય પદ્ધતિથી તપાસણી કરવા, જરૂરી માહિતી નોંધવા અને જરૂરિયાત મુજબ સારવાર માટે રેફર કરવાની સૂચનાઓ આપી હતી.
જિલ્લા ક્ષય અધિકારીએ જણાવ્યું હતું કે ક્ષયરોગ અને રક્તપિત્ત જેવા રોગોની વહેલી તકે ઓળખ અને સારવારથી રોગના ફેલાવાને અટકાવી શકાય છે. તેથી આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ગામોમાં સઘન સર્વે, તપાસ અને જનજાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. આરોગ્ય કર્મચારીઓની સક્રિય કામગીરી અને લોકોના સહકારથી આવા રોગો સામે અસરકારક નિયંત્રણ મેળવવામાં સફળતા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA