
કચ્છ, 13 જૂન (હિ.સ.) : પુણે શહેરમાં નોંધાયેલા સગીરાના અપહરણના ગંભીર ગુનામાં છેલ્લા છ મહિનાથી પોલીસને ચકમો આપી ફરાર રહેલા આરોપીને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભુજ શહેરમાંથી ઝડપી પાડતાં એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આરોપી સાથે અપહરણનો ભોગ બનેલી સગીર યુવતી પણ મળી આવતાં સમગ્ર ઘટનાક્રમનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓ સામે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ. એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસને માહિતી મળી હતી કે ભુજના ખેંગારપાર્ક વોક-વે વિસ્તારમાં એક યુવક અને એક યુવતી શંકાસ્પદ પરિસ્થિતિમાં જોવા મળ્યા છે. બાતમીના આધારે પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બંનેની પૂછપરછ શરૂ કરી હતી. તપાસ દરમિયાન યુવકે પોતાની ઓળખ દર્શન અમિત પવાર તરીકે આપી હતી, જે પુણેના ઓલ્ડ સાંગવી વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. તેની સાથે રહેલી યુવતી સગીર વયની હોવાનું જણાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસ બાદ પશ્ચિમ કચ્છ પોલીસે મહારાષ્ટ્રના સંબંધિત પોલીસ મથકો સાથે સંપર્ક સાધ્યો હતો. તપાસમાં ખુલ્યું કે સગીર યુવતી ગુમ થયાની ફરિયાદના આધારે સાંગવી પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાયેલો હતો. આ કેસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. વધુમાં આરોપી દર્શન પવાર પણ પોતાના નિવાસસ્થાનેથી ગુમ થયેલો હોવાનું અને તેની ગુમશુદગી અંગે પુણેના અન્ય પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.
મહત્વની વાત એ છે કે અપહરણનો આ કેસ નોંધાયા બાદ આરોપી સતત છ મહિનાથી પોલીસ પકડથી દૂર રહ્યો હતો. જોકે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની સતર્કતા અને ઝડપી કાર્યવાહીના કારણે આખરે ભુજમાંથી તેની ધરપકડ કરવામાં સફળતા મળી છે.
આ સમગ્ર ઘટનાની જાણ તાત્કાલિક પુણે પોલીસને કરવામાં આવી હતી. ત્યારબાદ સાંગવી પોલીસ સ્ટેશનના અધિકારીઓ ભુજ પહોંચ્યા હતા અને જરૂરી કાયદેસરની કાર્યવાહી માટે આરોપી તથા સગીર યુવતીને તેમની કસ્ટડીમાં સોંપવામાં આવ્યા હતા.
પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની આ કામગીરીને આંતરરાજ્ય ગુનાની તપાસમાં મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. પોલીસની સતર્કતા અને સમયસરની કાર્યવાહીથી એક ગંભીર ગુનાનો ભેદ ઉકેલાયો હોવા સાથે સગીરાને પણ સુરક્ષિત રીતે શોધી કાઢવામાં સફળતા મળી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar