
કચ્છ, 13 જૂન (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં ખાણ-ખનિજની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ જ દિશામાં મુંદ્રા તાલુકામાં આજે કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ કાર્યવાહીમાં રોયલ્ટી વિના ખનીજનું પરિવહન કરતા ટ્રકને ઝડપી પાડવામાં આવ્યો છે. આજની આ કાર્યવાહી દરમિયાન અંદાજે રૂ. 25 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મુંદ્રાની ટીમ દ્વારા સવારના સમયે ફિલ્ડ વિઝીટ અને નિયમિત ચકાસણી દરમિયાન ભોરારા નાકા નજીક એક શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાં મોટી માત્રામાં સાદી રેતી ભરેલી હોવાનું સામે આવ્યું હતું. વાહનચાલક પાસે જરૂરી રોયલ્ટી પાસ કે અન્ય અધિકૃત દસ્તાવેજો રજૂ કરી શક્યા ન હોવાથી ખનીજના ગેરકાયદેસર પરિવહનની શંકા મજબૂત બની હતી.
અધિકારીઓએ વધુ તપાસ કરતા ટ્રકમાં અંદાજે 20 મેટ્રિક ટન સાદી રેતી હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ રેતીનું પરિવહન નિયમોનું ઉલ્લંઘન કરીને કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા ટ્રક સહિતનો સમગ્ર જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહીને ખનીજ ચોરી અને ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામેના કડક વલણ તરીકે જોવામાં આવી રહી છે. જવાબદાર અધિકારીઓના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના નિયમો મુજબ ખનીજ સંપત્તિનું સંરક્ષણ અને ગેરકાયદેસર પરિવહન પર નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી છે, જેના માટે નિયમિત ચેકિંગ અને સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે.
જપ્ત કરાયેલ ટ્રક અને ખનીજને સુરક્ષિત રીતે મુંદ્રા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે. સમગ્ર મુદ્દામાલની અંદાજિત કિંમત આશરે રૂ. 25 લાખ હોવાનું માનવામાં આવે છે. સંબંધિત વિભાગો દ્વારા હવે આગળની કાયદેસરની કાર્યવાહી માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.
ખનીજ ચોરી અને ગેરકાયદેસર પરિવહન સામે તંત્રની આ કાર્યવાહીથી આવા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. અધિકારીઓએ પણ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કુદરતી સંપત્તિના ગેરકાયદેસર શોષણ અને નિયમોના ભંગ સામે ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar