
છોટાઉદેપુર , 13 જૂન (હિ.સ.) પાવીજેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક યુવાનો બાઈક ઉપર શાકભાજી વેચાણનો વ્યવસાય કરીને સ્વરોજગારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. રોજ વહેલી સવારે મળસ્કે સ્થાનિક ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી) ખાતે ભરાતા શાકભાજી માર્કેટમાંથી તાજું શાકભાજી ખરીદી તેઓ ગામેગામ ફરી વેચાણ કરે છે.
યુવાનો બાઈકની બંને બાજુ અને પાછળ શાકભાજીના થેલા બાંધીને ગ્રામ્ય વિસ્તારો તેમજ દૂરના ફળિયાઓ સુધી પહોંચે છે. જેના કારણે ગ્રામજનોને ઘરઆંગણે જ તાજું અને ગુણવત્તાયુક્ત શાકભાજી મળી રહે છે. ખાસ કરીને મહિલાઓ, વૃદ્ધો અને બજાર સુધી પહોંચવામાં મુશ્કેલી અનુભવતા લોકો માટે આ સેવા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
શાકભાજીના વેચાણ સાથે યુવાનો પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. રોજિંદા ધંધામાં ટામેટા, કોબી, રીંગણ, ભીંડા, મરચાં, લીલા શાકભાજી સહિતની વિવિધ ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. ગ્રાહકોની માંગ મુજબ તેઓ અલગ-અલગ ગામોમાં જઈને વેચાણ કરતા હોવાથી તેમની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે. બેરોજગારીના સમયમાં યુવાનો દ્વારા અપનાવવામાં આવેલો આ વ્યવસાય અન્ય યુવાનો માટે પણ પ્રેરણાદાયી બની રહ્યો છે. મહેનત અને નિયમિતતા દ્વારા તેઓ સ્વરોજગારની દિશામાં સફળતાપૂર્વક આગળ વધી રહ્યા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
વહેલી સવારથી શરૂ થાય છે દિવસની દોડધામ
શાકભાજી વેચતા યુવાનોનો દિવસ વહેલી સવારે એપીએમસી માર્કેટથી શરૂ થાય છે. ત્યાંથી તાજું શાકભાજી ખરીદ્યા બાદ બાઈક ઉપર ગોઠવી ગામડાઓમાં વેચાણ માટે નીકળી પડે છે. દિવસભર મહેનત કરીને તેઓ ગ્રાહકો સુધી તાજું શાકભાજી પહોંચાડી રોજગારી મેળવી રહ્યા છે.
પાવીજેતપુર પંથકમાં બાઈક ઉપર શાકભાજી વેચતા યુવાન તસ્વીરમાં નજરે પડે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ