
પાટણ, 13 જૂન (હિ.સ.) : રણુજ નાગરિક સહકારી બેંકની 55મી અને પાટણ તાલુકા ખરીદ-વેચાણ સંઘની 75મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. બંને સંસ્થાઓના વાર્ષિક અહેવાલો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. રણુજ નાગરિક બેંકે ₹6 કરોડનો ગ્રોસ નફો અને ₹2 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જ્યારે ખરીદ-વેચાણ સંઘે ₹5 લાખનો ચોખ્ખો નફો જાહેર કર્યો હતો.
બેંકના ચેરમેન દશરથભાઈ પટેલે જણાવ્યું કે બેંકના ₹144 કરોડના કુલ ધિરાણ સામે માત્ર ₹11 લાખ એનપીએ છે. ઓછા એનપીએના કારણે ગુજરાત ફેડરેશન, અમદાવાદ દ્વારા બેંકને સતત બે વર્ષ ગુજરાતમાં સૌથી ઓછું એનપીએ ધરાવતી બેંક તરીકે સન્માનિત કરવામાં આવી છે. સાથે જ બેંક દ્વારા અમદાવાદમાં નવી શાખા શરૂ કરવાની યોજના પણ જાહેર કરવામાં આવી હતી.
ખરીદ-વેચાણ સંઘ દ્વારા પાટણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને લોકરની સુવિધા આપવામાં આવે છે. ગ્રાહકો માટે સવારે 8:30 થી સાંજના 5:00 વાગ્યા સુધી લોકર સેવા ઉપલબ્ધ છે અને જરૂરિયાત મુજબ ચાર પ્રકારના લોકરો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
સભામાં ખાતર વિતરણની નવી ઓનલાઈન પ્રક્રિયાને લઈને ખેડૂતોની મુશ્કેલીઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સભાસદોએ જણાવ્યું કે ઈ-પોર્ટલ પર ફરજિયાત નોંધણીના કારણે ઓછી સમજણ ધરાવતા, સંયુક્ત ખાતાધારક અને ભાગે ખેતી કરતા ખેડૂતોને ખાતર મેળવવામાં મુશ્કેલીઓ પડી શકે છે. આ પ્રસંગે દશરથભાઈ પટેલ, નિલેષભાઈ દિલીપભાઈ ઓઝા, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત ડિરેક્ટરો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ