
વાપી, 13 જૂન (હિ.સ.) વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસ મથક વિસ્તારમાં આવેલા હરીયા પાર્ક ખાતે ચાલતું આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગેરકાયદેસર કોલ સેન્ટર વલસાડ એસઓજીએ ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. મોડી રાત્રે કરાયેલી આયોજનબદ્ધ રેડ દરમિયાન 9 પુરુષ અને 2 મહિલા સહિત કુલ 11 આરોપીઓને ડિજિટલ સાધનો સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર રાજેશ ઉર્ફે રાજ ઠોલાર ફરાર હોવાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ VoIP ટેક્નોલોજી, X-Lite અને APhone જેવી એપ્લિકેશનો મારફતે કેનેડિયન નાગરિકોને ફોન કરતા હતા. તેઓ પોતાની ઓળખ Canada Post, Canadian Security Intelligence Service (CSIS) અને Royal Canadian Mounted Police (RCMP)ના અધિકારીઓ તરીકે આપી લોકોને ડરાવતા હતા. પાર્સલમાં ડ્રગ્સ, ગેરકાયદેસર ડોલર અથવા મની લોન્ડરિંગના કેસમાં નામ સંડોવાયેલ હોવાની ખોટી માહિતી આપી ભોગ બનનારાઓ પાસેથી Apple અને અન્ય કંપનીઓના ગિફ્ટ કાર્ડના કોડ મેળવી લાખો રૂપિયાની ઠગાઈ આચરતા હતા.
દરોડા દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી કેનેડિયન નાગરિકોના ડિજિટલ ડેટા, 7 લેપટોપ, 16 મોબાઇલ અને Wi-Fi કોલિંગ ફોન, 5 રાઉટર, 7 હેડફોન સહિત કુલ રૂ. 5.95 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ફરાર આરોપી રાજેશ ઉર્ફે રાજે THE MIDNIGHT CLUB નામનું ખાનગી વોટ્સએપ ગ્રુપ બનાવી તમામ આરોપીઓને ઠગાઈ માટેની સ્ક્રિપ્ટ અને તાલીમ પૂરી પાડી હતી. ડાર્ક વેબ અને સોશિયલ મીડિયા મારફતે વિદેશી નાગરિકોના ડેટા મેળવી તેમને નિશાન બનાવવામાં આવતા હતા.
આ મામલે ડુંગરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફરાર મુખ્ય આરોપીની શોધખોળ ચાલુ છે.
આ સમગ્ર ઓપરેશન વલસાડ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વાય.પી. હડીયા, પીએસઆઈ એસ.આર. સુસલાદે, સાયબર ક્રાઈમના આઈટી એક્સપર્ટ પ્રીતેશ પટેલ અને એસઓજીની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha