
ભાવનગર, 13 જૂન (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાવનગર શહેરના અટલ ઓડિટોરિયમ હોલ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. ઉર્જા મંત્રી અને ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિક વેકરીયા તથા કૃષિ મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ, વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો, જનપ્રતિનિધિઓ અને નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષ દરમિયાન ભારતે વિકાસ, સુશાસન, આત્મનિર્ભરતા અને વૈશ્વિક પ્રતિષ્ઠાના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. ગુજરાતે ઊર્જા, ઔદ્યોગિક વિકાસ, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે દેશના અગ્રણી રાજ્ય તરીકે ઓળખ ઉભી કરી છે. તેમણે ભાવનગરમાં વિશ્વનું પ્રથમ સીએનજી ટર્મિનલ પોર્ટ, ઘોઘા-હજીરા રો-રો ફેરી સેવા, પાલીતાણા સોલાર પ્રોજેક્ટ અને અન્ય વિકાસકાર્યોનો ઉલ્લેખ કરીને જિલ્લાની વિકાસયાત્રાને રેખાંકિત કરી હતી.
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ દેશે વિકાસ અને આત્મનિર્ભરતાના નવા માપદંડો સ્થાપિત કર્યા છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, કૃષિ અને પશુપાલન ક્ષેત્રમાં થયેલી પ્રગતિ તેમજ સિંચાઈ સુવિધાઓના વિસ્તરણથી ખેડૂતોની આવકમાં વધારો થયો છે. રેલવેના 100 ટકા વિદ્યુતીકરણ, અમૃત ભારત સ્ટેશન યોજના, વંદે ભારત ટ્રેનો અને ડિજિટલ ઇન્ડિયા અભિયાનથી પરિવહન અને ડિજિટલ વ્યવસ્થામાં ગુણાત્મક પરિવર્તન આવ્યું હોવાનું તેમણે જણાવ્યું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ જેવા અભિયાનોના પરિણામે ભારત વૈશ્વિક અર્થવ્યવસ્થામાં વધુ મજબૂત સ્થાન તરફ આગળ વધી રહ્યું છે. ધોલેરા સહિતના ઔદ્યોગિક વિકાસ પ્રકલ્પો અને ભાવનગરમાં ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યો જિલ્લાને નવી તકો અને પ્રગતિના શિખરો સુધી પહોંચાડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA