
નવી દિલ્હી, 15 જૂન (હિ.સ.). કેન્દ્ર સરકારે સોમવારે જણાવ્યું હતું કે, દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની સપ્લાઈ સ્થિર રહી છે. પશ્ચિમ એશિયા સંકટ છતાં રિફાઇનરીઓ પોતાની સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત છે. સાથે જ કાચા તેલનો સ્ટોક પણ પૂરતી માત્રામાં જાળવવામાં આવી રહ્યો છે.
પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયની સંયુક્ત સચિવ સુજાતા શર્માએ, નવી દિલ્હીમાં આંતરમંત્રાલયી પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું કે, દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ઘરેલુ રાંધણ ગેસ (એલપીજી સિલિન્ડર)ની સપ્લાઈ સ્થિર રહી છે. રિફાઇનરીઓ પૂર્ણ ક્ષમતાથી કાર્યરત છે અને કાચા તેલનો સ્ટોક પણ પૂરતી માત્રામાં જાળવવામાં આવી રહ્યો છે.
સુજાતા શર્માએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, જોકે કેટલાક રિટેલ આઉટલેટ્સ પર વેચાણમાં અસામાન્ય રીતે તેજી જોવા મળી રહી છે. તેનું મુખ્ય કારણ એ છે કે ઔદ્યોગિક, પ્રત્યક્ષ, સંસ્થાગત, વ્યાવસાયિક અને કોમર્શિયલ ગ્રાહકોએ હવે રિટેલ આઉટલેટ્સ પરથી ઇંધણ ખરીદવાનું શરૂ કર્યું છે, જેના કારણે ત્યાં વેચાણ વધ્યું છે. મે મહિનામાં 42 કરોડ ડીઝલનું વેચાણ બલ્કથી રિટેલ આઉટલેટ્સ તરફ શિફ્ટ થયું.
પોત પરિવહન અને જળમાર્ગ મંત્રાલયના નિર્દેશક ઓપેશ કુમાર શર્માએ જણાવ્યું કે, એલએનજી કેરિયર 'દિશા' 62,370 એમટી એલએનજી કાર્ગો લઈને હોર્મુઝ જળડમરુમધ્યથી સુરક્ષિત રીતે પસાર થઈ ગયું છે. તેમણે કહ્યું કે આ જહાજ 18 જૂને દહેજ પહોંચવાની અપેક્ષા છે.
ઓપેશ કુમાર શર્માએ જણાવ્યું કે, બંદર, જહાજરાની અને જળમાર્ગ મંત્રાલય, નાવિકોની ભલાઈ સુનિશ્ચિત કરવા અને તેમને દરેક પ્રકારની મદદ આપવા માટે વિદેશ મંત્રાલય, વિદેશોમાં ભારતીય મિશનો, શિપિંગ કંપનીઓ અને અન્ય સંબંધિત પક્ષો સાથે સતત સમન્વય જાળવી રહ્યું છે.
નોંધનીય છે કે, પશ્ચિમ એશિયામાં ગત 28 ફેબ્રુઆરીથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે આજે શાંતિ કરાર પર સંમતિ બની છે. આ કરાર પર સ્વિટ્ઝર્લેન્ડમાં 19 જૂને હસ્તાક્ષર કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ