
- જબલપુરમાં રાની દુર્ગાવતી યુનિવર્સિટીના 36મા દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિ સહભાગી થયા
ભોપાલ/જબલપુર, નવી દિલ્હી, 21 જૂન (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે, યુવા વિદ્યાર્થીઓ માત્ર તેમના પરિવાર કે યુનિવર્સિટીના પ્રતિનિધિ નથી, પરંતુ રાષ્ટ્રની આકાંક્ષાઓ અને ભવિષ્યના ઘડવૈયા છે. તેમના જ્ઞાન, ઊર્જા અને સંકલ્પથી જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે.
રાષ્ટ્રપતિ મુર્મુ રવિવારે મધ્ય પ્રદેશના જબલપુરમાં રાની દુર્ગાવતી યુનિવર્સિટીના 36મા દીક્ષાંત સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, આજે સમગ્ર વિશ્વ ઝડપથી બદલાઈ રહ્યું છે. આપણી ભાષા, રહેણીકરણી, જીવનશૈલી બધું જ ઝડપી ગતિએ બદલાઈ રહ્યું છે, પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણા કેટલાક મૂલ્યો શાશ્વત છે જે આપણને હંમેશા શક્તિ પ્રદાન કરે છે. મારું માનવું છે કે, તમારા જેવા યુવાનોએ ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અને આદર્શોને પોતાના જીવનનો આધાર બનાવવો જોઈએ.
રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું હતું કે, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની સાથે સાથે નવીનતા અને સંશોધનના મુખ્ય કેન્દ્રો પણ છે. વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક વિચારસરણી, વૈજ્ઞાનિક અભિગમ અને ઉદ્યોગસાહસિકતાનો વિકાસ કરવો એ શૈક્ષણિક સંસ્થાઓની મહત્વપૂર્ણ જવાબદારી છે. આ સાથે, સંસ્થાઓ પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ અને ભાષાઓ પ્રત્યે ગર્વની ભાવનાનો સંચાર કરે.
તેમણે કહ્યું કે, શિક્ષણ એ કોઈપણ વ્યક્તિ કે સમુદાયના વિકાસનું સૌથી અસરકારક માધ્યમ છે. તેથી આદિવાસી સમુદાયના શૈક્ષણિક વિકાસ માટે પ્રયાસો કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ અગાઉ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાની દુર્ગાવતી યુનિવર્સિટીના 36મા દીક્ષાંત સમારોહનો દીપ પ્રગટાવીને પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઈન્દર સિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં યુનિવર્સિટીના 141 તેજસ્વી વિદ્યાર્થીઓને 240 સુવર્ણ ચંદ્રક અને 182 સંશોધકોને પીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ પસંદગી પામેલા વિદ્યાર્થીઓને 20 સુવર્ણ ચંદ્રક એનાયત કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ