
- કેન્દ્રીય રમતગમત મંત્રી માંડવિયા અને અક્ષય કુમારે સાથે યોગ કર્યા
નવી દિલ્હી, 21 જૂન (હિ.સ.) કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ લોકોને, યોગને પોતાની રોજિંદી જિંદગીનો હિસ્સો બનાવવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જો ભારતે વિકસિત રાષ્ટ્ર બનવાનું પોતાનું સ્વપ્ન સાકાર કરવું હોય તો યોગ અને ફિટનેસને દૈનિક જીવનનો હિસ્સો બનાવવો પડશે.
નવી દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં રવિવારે આયોજિત 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી માંડવિયા સહભાગી થયા હતા. આ કાર્યક્રમમાં અભિનેતા અને ફિટનેસ આઇકોન અક્ષય કુમાર પણ તેમની સાથે જોડાયા હતા. યુવા બાબતો અને રમતગમત મંત્રાલય હેઠળ 'ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ' દ્વારા આયોજિત સામૂહિક યોગ સત્ર માટે સ્ટેડિયમમાં આશરે 3,000 સહભાગીઓ એકઠા થયા હતા.
કેન્દ્રીય મંત્રીએ સામુદાયિક ભાગીદારી દ્વારા વર્તણૂકીય પરિવર્તન અને બીમારીથી બચાવતી આરોગ્ય સેવાઓને પ્રોત્સાહન આપવામાં 'ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ'ની ભૂમિકાને રેખાંકિત કરી હતી. સહભાગીઓ સાથેની વાતચીત દરમિયાન રમતગમત મંત્રીએ સારું સ્વાસ્થ્ય જાળવી રાખવા અને દૈનિક જીવનમાં યોગ તેમજ સાઇકલ ચલાવવા જેવી ફિટનેસ પ્રવૃત્તિઓ અપનાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
અભિનેતા અક્ષય કુમારે પણ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં યોગના મહત્વ પર ભાર મૂક્યો હતો અને લોકોને ફિટનેસને પોતાની નિયમિત આદત બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમની શરૂઆત સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ સાથે થઈ હતી. ત્યારબાદ કોલકાતાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનનું લાઈવ-સ્ટ્રીમિંગ અને જાણીતા યોગ અને વેલનેસ ઇન્સ્ટ્રક્ટર અનુષ્કા પરવાનીના નેતૃત્વમાં 'સામાન્ય યોગ અભ્યાસક્રમ'નું સત્ર યોજાયું હતું. પરવાનીને 'ફિટ ઇન્ડિયા આઇકોન' તરીકે સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. ફિટનેસ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવામાં યોગદાન બદલ અક્ષય કુમારને પણ 'ફિટ ઇન્ડિયા આઇકોન' તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે યોગાસનમાં ભારતની સિદ્ધિઓની પણ પ્રશંસા કરવામાં આવી હતી અને અમદાવાદમાં તાજેતરમાં સંપન્ન થયેલી વર્લ્ડ યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા khેલાડીઓને 'ફિટ ઇન્ડિયા ચેમ્પિયન' તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં રમતગમત સચિવ હરિ રંજન રાવ, યુવા બાબતોના સચિવ પલ્લવી જૈન ગોવિલ, રમતગમત મંત્રાલય અને ભારતીય રમતગમત સત્તામંડળના વરિષ્ઠ અધિકારીઓ તેમજ રમતગમત જગત સાથે જોડાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ઔપચારિક કાર્યક્રમ બાદ સહભાગીઓએ યોગ સંબંધિત પ્રવૃત્તિઓ, નિષ્ણાતોની દેખરેખ હેઠળ પરામર્શ સત્રો અને ભારતની પરંપરાગત ફિટનેસ પદ્ધતિઓ દર્શાવતા મલ્લખંભના પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
દેશભરમાં યોજાયેલા આ આયોજનથી 'ફિટ ઇન્ડિયા', 'માય ભારત' અને 'યોગાસન ભારત' જેવી અગ્રણી પહેલો વચ્ચે બહેતર જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે ઉત્કૃષ્ટ પરસ્પર તાલમેલની ઝલક જોવા મળી હતી.
હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ