
કોલકતા, નવી દિલ્હી, 21 જૂન (હિ.સ.). કોલકતાના રેડ રોડ પર 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગાભ્યાસમાં ભાગ લીધો હતો. તેમની સાથે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી, રાજ્યપાલ આર.એન. રવિ, રાજ્ય સરકારના મંત્રીઓ, વિધાનસભા અધ્યક્ષ રથીન્દ્રનાથ બસુ, ધારાસભ્યો, વિદ્યાર્થીઓ, રમતવીરો, યોગ સાધકો અને વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનની મુલાકાત અને યોગ દિવસના મુખ્ય આયોજનને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રવિવારે સવારે રેડ રોડ પહોંચ્યા હતા અને મંચ પરથી દેશવાસીઓને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, 21 જૂન એ વર્ષનો એવો દિવસ છે જ્યારે પૃથ્વીના એક ભાગમાં સૌથી લાંબો દિવસ હોય છે, પરંતુ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા મળ્યા બાદ આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે. વડાપ્રધાને કહ્યું કે, યોગ સૌને જોડવાનું માધ્યમ છે અને આજે 21 જૂન વિશ્વના સૌથી મોટા તહેવારોમાં પરિવર્તિત થઈ ગયો છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, યોગ ભારતની પ્રાચીન પરંપરા હોવા છતાં હવે સમગ્ર વિશ્વની જીવનશૈલીનો એક ભાગ બની રહ્યો છે. તેમણે કહ્યું કે ભારતમાં હિમાલયથી લઈને હિંદ મહાસાગર સુધી, ઉત્તર-પૂર્વ અને બંગાળથી લઈને પશ્ચિમમાં સૌરાષ્ટ્ર સુધી યોગની ઉર્જા જોવા મળી રહી છે. વડાપ્રધાને કહ્યું કે, કોલકતામાં યોગ દિવસના આયોજનમાં સહભાગી થવું એ તેમના માટે સૌભાગ્યની વાત છે.
તેમણે પશ્ચિમ બંગાળના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ શ્રી અરવિંદ, સ્વામી વિવેકાનંદ અને શ્રી રામકૃષ્ણ પરમહંસની ભૂમિ છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ ધરતી પર યોગ દિવસનું આયોજન વિશેષ મહત્વ ધરાવે છે. તેમણે શ્રી અરવિંદના વિચારોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, શ્રી અરવિંદે તેમના સમગ્ર જીવનને યોગ સાથે જોડાયેલું ગણાવ્યું હતું અને યોગ વાસ્તવમાં માનવ ચેતના સાથે જોડાવાનો માર્ગ છે.
વડાપ્રધાને કોલકાતાના નાગરિકોની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, યોગ દિવસના આયોજન માટે શહેરના લોકોએ સ્વચ્છતા, વ્યવસ્થા અને નાગરિક ફરજોના પાલનમાં ઘણી મહેનત કરી છે. તેમણે ઉમેર્યું કે, નાગરિકોનો આ ઉત્સાહ અને સહકાર પ્રશંસનીય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, યોગને માત્ર એક દિવસના કાર્યક્રમ પૂરતો સીમિત રાખવો જોઈએ નહીં. તેને રોજિંદા જીવનનો અભિન્ન હિસ્સો બનાવવો પડશે. તેમણે કહ્યું કે, યોગ સ્વસ્થ જીવન જીવવામાં મદદ કરે છે અને માનસિક સ્વાસ્થ્યની સાથે શારીરિક સ્વાસ્થ્યને પણ સારું રાખવાનો માર્ગ દર્શાવે છે. યોગ જીવનશૈલીમાં સંતુલન લાવે છે અને વ્યક્તિને ઉંમર વધવા છતાં ઉર્જાવાન રાખે છે. વડાપ્રધાને કહ્યું કે, શ્રીકૃષ્ણે પણ ગીતામાં યોગના મહત્વનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, જો સમાજ સ્વસ્થ હશે તો દેશ પણ સ્વસ્થ બનશે.
વડાપ્રધાનના સંબોધન બાદ રેડ રોડ પર સામૂહિક યોગાભ્યાસ શરૂ થયો હતો. આ દરમિયાન મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં યોગની જૂની પરંપરા રહી છે. વડાપ્રધાનની ઉપસ્થિતિથી રાજ્યમાં યોગ દિવસનું આયોજન ઐતિહાસિક બની ગયું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, લાંબા સમય સુધી પશ્ચિમ બંગાળમાં યોગ દિવસને લઈને સરકારી સ્તરે કોઈ ખાસ પહેલ કરવામાં આવી ન હતી, પરંતુ હવે રાજ્યમાં લોકોમાં યોગ પ્રત્યે ઉત્સાહ વધ્યો છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને તેમના નિર્ણયોને કારણે આજે પશ્ચિમ બંગાળમાં યોગ દિવસનું આટલું મોટું આયોજન શક્ય બન્યું છે. તેમણે દાવો કર્યો હતો કે, રેડ રોડ પર આયોજિત યોગ કાર્યક્રમ માટે 2 લાખ 57 હજાર લોકોએ નોંધણી કરાવી છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાનનો યોગ દિવસના કાર્યક્રમમાં સહભાગી થવા બદલ આભાર માન્યો હતો.
રેડ રોડ પર મુખ્ય યોગ કાર્યક્રમ સવારે આશરે 6:30 વાગ્યે શરૂ થયો હતો. કાર્યક્રમમાં આશરે 35 હજાર લોકો વડાપ્રધાન સાથે યોગાભ્યાસમાં જોડાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. સહભાગીઓને સવારે 6:15 વાગ્યા સુધીમાં કાર્યક્રમ સ્થળે પ્રવેશ મેળવી લેવા સૂચના આપવામાં આવી હતી. સવારથી જ શહેરના વિવિધ ભાગોમાંથી લોકો રેડ રોડ તરફ પહોંચતા જોવા મળ્યા હતા.
યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લેનારા લોકોની સુવિધા માટે રવિવારે વહેલી સવારથી કોલકાતા મેટ્રોની સેવાઓ શરૂ કરી દેવામાં આવી હતી. બ્લુ લાઇન, ગ્રીન લાઇન સહિત શહેરની તમામ મેટ્રો લાઇનો પર સવારે 4 વાગ્યાના થોડા સમય બાદથી સેવાઓ કાર્યરત કરી દેવામાં આવી હતી, જેથી દૂર-દૂરથી આવતા સહભાગીઓ સમયસર રેડ રોડ પહોંચી શકે.
વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને રેડ રોડ અને તેની આસપાસના વિસ્તારોમાં બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ અને સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રાખવા માટે પણ ખાસ પ્રબંધ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ સ્થળે પ્રવેશ માટે નિર્ધારિત સમય અને સુરક્ષા તપાસની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રેડ રોડ પર આયોજિત આ કાર્યક્રમ પશ્ચિમ બંગાળ માટે વિશેષ મહત્વનો રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ, હજારો લોકોની ભાગીદારી અને વ્યાપક વહીવટી તૈયારીઓ વચ્ચે કોલકાતામાં યોગ દિવસનું મુખ્ય આયોજન સંપન્ન થયું હતું.
હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ