
ભાવનગર, 24 જૂન (હિ.સ.)ભાવનગર જિલ્લાના પ્રભારી સચિવ આલોક કુમાર પાંડેના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના આયોજન હોલ ખાતે જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિકાસલક્ષી કાર્યો, જનકલ્યાણકારી યોજનાઓની અમલવારી તેમજ વિવિધ વિભાગોની કામગીરીની પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પોતાના વિભાગની કામગીરી, પ્રગતિ અને ભવિષ્યની યોજનાઓ અંગે વિગતવાર માહિતી રજૂ કરી હતી. પ્રભારી સચિવે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) તેમજ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા હાથ ધરવામાં આવેલા માર્ગ, પુલ અને અન્ય માળખાકીય વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી. વિકાસકાર્યો સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે અંગે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.
આ ઉપરાંત ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ફ્લડ કંટ્રોલ માટે કરવામાં આવેલી પૂર્વ તૈયારીઓ, પાણી પુરવઠાની સ્થિતિ, સિંચાઈ યોજનાઓની કામગીરી અને ખેડૂતોને મળતા લાભોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી સેવાઓ, સર ટી. હોસ્પિટલની કામગીરી, દર્દીઓને મળતી સુવિધાઓ તેમજ આરોગ્ય ક્ષેત્રે ચાલી રહેલા સુધારાત્મક પ્રયાસો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમલમાં મુકાતી વિવિધ યોજનાઓ, પી.એમ. સૂર્યઘર યોજના હેઠળ લાભાર્થીઓની નોંધણી અને કામગીરી, ખેતીવાડી વિભાગના કાર્યક્રમો, જિલ્લા આયોજન તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આઈ.સી.ડી.એસ.ની વિવિધ પ્રવૃત્તિઓની પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
પ્રભારી સચિવ આલોક કુમાર પાંડેએ તમામ વિભાગોના અધિકારીઓને સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે સુચારૂ આયોજન, અસરકારક અમલવારી અને વિભાગો વચ્ચે સંકલન જાળવવા પર ભાર મૂક્યો હતો. તેમણે વિકાસકાર્યોમાં ગતિ લાવી જિલ્લામાં સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA