

કચ્છ, 24 જૂન (હિ.સ.) ગુજરાતના યુવાનોમાં દેશભક્તિ, શિસ્ત અને રાષ્ટ્રસેવાની ભાવનાને વધુ મજબૂત બનાવતી ગૌરવપૂર્ણ ઘટના તરીકે આજે જામનગરમાં NCC કેડેટ્સના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત એનસીસીના એડિશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ બિમલ મોંગા (SM, VSM) એ જામનગર સ્થિત 27 ગુજરાત બટાલિયન એનસીસીના કાર્યાલય ખાતે અગ્નિવીર તરીકે ભારતીય સશસ્ત્ર દળોમાં જોડાયેલા કેડેટ્સને અભિનંદન પાઠવી તેમની સિદ્ધિને બિરદાવી હતી.
જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર્સના કાર્યક્ષેત્ર હેઠળ આવતી વિવિધ યુનિટો અને બટાલિયનોમાંથી કુલ 42 કેડેટ્સે અગ્નિવીર ભરતી પ્રક્રિયામાં સફળતા મેળવી દેશસેવાનો માર્ગ પસંદ કર્યો છે. જેમાં કચ્છના ભુજ અને ગાંધીધામ જેવા વિસ્તારોના આ કેડેટ્સે પોતાની મહેનત, શિસ્ત અને સમર્પણના બળે આ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.
વિશેષ ગૌરવની વાત એ રહી કે ભુજ સ્થિત 36 ગુજરાત બટાલિયન એનસીસીના 10 કેડેટ્સ પણ અગ્નિવીર તરીકે પસંદગી પામી દેશની સુરક્ષા માટે પોતાનું યોગદાન આપવા આગળ આવ્યા છે. તેમની આ સિદ્ધિ માત્ર તેમના પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર કચ્છ વિસ્તાર માટે ગર્વની ક્ષણ બની છે.
સમારોહ દરમિયાન મેજર જનરલ બિમલ મોંગાએ જણાવ્યું હતું કે એનસીસી માત્ર એક તાલીમ સંસ્થા નથી, પરંતુ તે યુવાનોમાં નેતૃત્વ, જવાબદારી અને રાષ્ટ્રપ્રેમના ગુણો વિકસાવવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે. અગ્નિવીર તરીકે પસંદગી પામેલા કેડેટ્સ એનસીસીના આદર્શો અને મૂલ્યોનું જીવંત ઉદાહરણ છે અને તેઓ દેશના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બનશે.
વર્ષ 2017માં સ્થાપિત થયેલું જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર્સ ટૂંકા ગાળામાં જ નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરવામાં સફળ રહ્યું છે. વિવિધ રાષ્ટ્રીય સ્તરની પ્રવૃત્તિઓ, તાલીમ કાર્યક્રમો અને સશસ્ત્ર દળોમાં યુવાનોને પ્રોત્સાહિત કરવાની કામગીરીમાં આ ગ્રુપ સતત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. અગ્નિવીર તરીકે 42 કેડેટ્સની પસંદગી ગ્રુપના ઇતિહાસમાં એક યાદગાર અને ગૌરવવંતી સિદ્ધિ તરીકે નોંધાઈ છે.
દેશસેવાની ભાવના સાથે આગળ વધેલા આ યુવાનોની સફળતા દર્શાવે છે કે એનસીસી દ્વારા મળતી તાલીમ અને માર્ગદર્શન યુવાનોના વ્યક્તિત્વ ઘડતર ઉપરાંત તેમને રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં પણ સક્રિય ભાગીદાર બનાવે છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar