
- સૌરાષ્ટ્ર-મ.ગુજરાતના અન્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
અમદાવાદ,24 જૂન (હિ.સ.) દેશના મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને દિલ્હીમાં પ્રી-મોન્સુન વરસાદ થઈ રહ્યો છેમોન્સુન 13 દિવસની વિલંબ બાદ 24 જૂન મંગળવારે મુંબઈ પહોંચી ગયું છે. સામાન્ય રીતે મોન્સુન 10 જૂન સુધીમાં મુંબઈ પહોંચે છે. મોન્સુન પહોંચતા જ શહેરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો.
હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે આગાહી જાહેર કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ સહિતના 13 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજની શક્યતા છે.
સૌરાષ્ટ્ર-મ.ગુજરાતના અન્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન વલસાડ, નવસારી, સુરત, અમરેલી, ગીર સોમનાથ, વગેરે વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઇંચ વરસાદ નોંધાયો હતો.
આજે 24 જૂને અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, ખેડા અને દાહોદ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં અનેક સ્થળોએ વરસાદ પડી શકે છે.
રાજ્યમાં નોંધાયેલા તાજેતરના વરસાદી આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જેમાં ખાસ કરીને વલસાડ જિલ્લો મોખરે રહ્યો છે. વલસાડના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 4.33 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે કપરાડામાં 1.46 ઇંચ અને વાપીમાં 1.42 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત, ડાંગ જિલ્લાના આહવા-ડાંગમાં 3.07 ઇંચ અને તાપીના ઉકાઈમાં 1.1 ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓ જેવા કે સુરત (માંડવી, અરેઠ, માંગરોળ, ઉમરપાડા) અને નવસારી (ચીખલી, ગણદેવી, નવસારી, જલાલપોર) ના વિવિધ તાલુકાઓમાં પણ હળવાથી મધ્યમ ઝાપટાં સ્વરૂપે સતત વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે.
સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અન્ય ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદી માહોલ
બીજી તરફ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની સારી હાજરી જોવા મળી છે. સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં 2.13 ઇંચ જેટલો સારો વરસાદ નોંધાયો છે, જ્યારે કોટડા સાંગાણીમાં 0.79 ઇંચ વરસાદ પડ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ