
-અનેક સ્થળોએ કેન્દ્ર સરકાર અને ટ્રમ્પના પૂતળાં દહન કરાયા, ખેડૂત નેતાઓએ આંદોલન વધુ તેજ કરવાની ચેતવણી આપી
ચંડીગઢ, નવી દિલ્હી, 24 જૂન (હિ.સ.) ભારત-અમેરિકા ટ્રેડ ડીલના વિરોધમાં બુધવારે ખેડૂતોનો રોષ ખુલ્લેઆમ જોવા મળ્યો. ખેડૂત સંગઠનોએ પંજાબના 21 જિલ્લાઓમાં મોટા પાયે પ્રદર્શન કરીને કેન્દ્ર સરકાર વિરુદ્ધ રોષ માર્ચ યોજ્યા. અનેક સ્થળોએ પ્રદર્શનકારીઓએ કેન્દ્ર સરકાર અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પૂતળાં પણ દહન કર્યા.
અમૃતસરમાં ખેડૂત નેતા સરવન સિંહ પંધેરના નેતૃત્વ હેઠળ સેંકડો ખેડૂતો ભાજપ કાર્યાલયની બહાર એકત્ર થયા અને ભારત-અમેરિકા ટ્રેડ ડીલ વિરુદ્ધ જોરદાર નારેબાજી કરી. ખેડૂત નેતાઓએ આરોપ લગાવ્યો કે આ કરારને જુલાઈના અંત સુધીમાં અમલમાં મૂકવાની તૈયારી ચાલી રહી છે, પરંતુ આ અંગે ખેડૂતો, ખેતમજૂરો અને અન્ય સંબંધિત વર્ગો સાથે કોઈ પ્રકારની ચર્ચા કે સલાહ-મશવરો કરવામાં આવ્યો નથી.
ખેડૂત નેતા સરવન સિંહ પંધેરે જણાવ્યું કે, જો આ ટ્રેડ ડીલ અમલમાં આવશે તો પંજાબ સહિત સમગ્ર દેશના ખેડૂતો, ખેતમજૂરો અને ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.
તેમણે કહ્યું કે, વિદેશી ઉત્પાદનો માટે બજાર ખુલ્લું મૂકવાથી સ્થાનિક કૃષિ અને ડેરી ક્ષેત્ર પર દબાણ વધશે, જેના કારણે ખેડૂતોની આવક પર પ્રતિકૂળ અસર પડી શકે છે.
ખેડૂત મજૂર મોર્ચાના આહ્વાન પર અમૃતસર, બઠિંડા, ફરીદકોટ, ફિરોઝપુર, ફાજિલ્કા, ગુરદાસપુર, હોશિયારપુર, જલંધર, કપૂરથલા, લુધિયાણા, માલેરકોટલા, માનસા, મોગા, શ્રી મુકતસર સાહિબ, પાઠાણકોટ, પટિયાલા, રૂપનગર, મોહાલી, સંગરૂર, શહીદ ભગત સિંહ નગર અને તરનતારનમાં પ્રદર્શન યોજાયા.
અનેક સ્થળોએ ભાજપના કાર્યાલયો તેમજ ભાજપના નેતાઓના નિવાસસ્થાનો બહાર પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા.
પ્રદર્શન દરમિયાન ખેડૂત નેતાઓએ કેન્દ્ર સરકારને ચેતવણી આપતાં જણાવ્યું કે, જો ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પાછી ખેંચવામાં નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે, ખેડૂતો પોતાના અધિકારો અને કૃષિ ક્ષેત્રના હિતોની રક્ષા માટે દરેક સ્તરે સંઘર્ષ કરવા તૈયાર છે.
હિન્દુસ્થાન સમાચાર / ગુરશરણ સિંહ / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ