
પોરબંદર, 24 જૂન (હિ.સ.) શહેરના સુદામાં મંદિર નજીકના વિસ્તારમાં આવેલી એક દુકાનમાં અજાણ્યા ચોરે હાથફેરો કરી રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 70 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવને પગલે વેપારી વર્તુળમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
પોલીસ ફરિયાદ મુજબ, છાંયા ખાતે આશાપુરા નિવાસ, અશોક પાનવાળી ગલી, પાટા પાસે રહેતા અને વેપાર ધંધો કરતા દિનેશ વશરામભાઈ થાનકી પોતાની દુકાનમાં હાજર હતા. તે દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ દુકાનમાં આવ્યો હતો. આરોપીએ દુકાનદારની નજર ચૂકવી દુકાનમાં રાખેલો મુદ્દામાલ તફડાવવાનો પ્લાન બનાવ્યો હતો.આરોપીએ તકનો લાભ લઈ દુકાનમાં રહેલા રૂ. 65,000 રોકડા તથા અંદાજે રૂ. 5,000 કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન ચોરી કરી લીધો હતો. આમ કુલ રૂ. 70,000ના મુદ્દામાલની ચોરી કરીને આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
થોડા સમય બાદ દુકાનદારે રોકડ અને મોબાઈલ ગુમ થયાનું ધ્યાનમાં આવતા શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ ભાળ મળી નહોતી.બનાવ અંગે દિનેશભાઈ થાનકીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઈસમ સામે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya