
સોમનાથ,24 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003 થી શરૂ કરાવેલી પ્રવેશોત્સવની શૃંખલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજે 24 માં વર્ષમાં પ્રવેશી છે.આ શિક્ષણયજ્ઞની જ્યોત પ્રજ્જવલિત રાખતા શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાએ બોડીદર ખાતે યોજાયેલા 'શાળા પ્રવેશોત્સવ'માં અનુકરણિય ઉદાહરણ પ્રસ્તુત કર્યુ હતું.
શિક્ષણમંત્રીએ બોડીદર ખાતે શિક્ષણની મુખ્યધારામાંથી અલગ થયેલી દીકરીઓના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત લઈ તેમને શિક્ષણનું મહત્વ સમજાવી પુનઃ અભ્યાસ શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરી હતી.જે પછી શિક્ષણમંત્રીએ સન્માનભેર પોતાની કારમાં બેસાડી સ્કૂલમાં ફરી પ્રવેશ માટે લાવી શિક્ષણની મુખ્યધારામાં લાવી પોતાનો વડીલસહજ વાત્સલ્યભાવ દર્શાવ્યો હતો.
શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ બાળકના જીવનમાં પરિવર્તન લાવતું સૌથી શક્તિશાળી પરિબળ છે અને રાજ્ય સરકારનો સંકલ્પ છે કે, રાજ્યનો એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર 100 ટકા નામાંકન અને 0 ટકા ડ્રોપઆઉટના લક્ષ્યને સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ છે.
બોડીદરની કન્યાશાળામાં 'બેક ટૂ સ્કૂલ' અંતર્ગત કોઈ કારણોસર શાળા છોડી હોય એવી ત્રણ વિદ્યાર્થિનીઓ જેઠવા જાગૃતિ, જેઠવા ક્રિષ્ના અને કામળિયા આશાબહેનનો આજે શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં ધો.૯માં શાળામાં પુન: પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.આમ, શિક્ષણની મુખ્યધારામાં લાવવા માટે શિક્ષણમંત્રીએ પોતે જ દરકાર કરતાં પુનઃ શાળા પ્રવેશ માટે આજનો દિવસ જાગૃતિબહેન, ક્રિષ્નાબહેન અને આશાબહેન માટે અત્યંત ખાસ બન્યો હતો. આ ત્રણેય દિકરીઓએ પણ શાળા પ્રવેશોત્સવના આ અવસરે પોતાનો ફરીથી શાળામાં પ્રવેશ થયો છે તે માટેનો હરખ વ્યક્ત કર્યો હતો.
જેઠવા ક્રિષ્નાબહેને ગત વર્ષે પોતાના પિતાની નાદુરસ્ત તબિયત અને સામાજિક સંજોગોના કારણે શાળા છોડવી પડી હતી પરંતુ આજે એ જ શાળામાં પોતાનો મંત્રીની ઉપસ્થિતિમાં વાજતે-ગાજતે પુનઃ પ્રવેશ થયો છે. જેનો આનંદ વ્યક્ત કરી રાજ્ય સરકારના આ સરાહનીય પગલાને બીરદાવ્યું હતું.
જ્યારે ચીખલી ગામે મનમિત મકવાણા, રેણુકાબેન મકવાણા, અનિલભાઈ પામક તથા ગોપાલભાઈ કામલિયાને પણ પુનઃ શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો.
આમ, બોડીદર અને ચીખલી ગામે કુલ 7 વિદ્યાર્થીઓને પુનઃ શાળામાં પ્રવેશ અપાવ્યો હતો અને વંચિત રહેલા વિદ્યાર્થીઓને પુનઃ શાળાના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો પ્રેરણાદાયી પ્રયાસ કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ