
સોમનાથ,24 જૂન (હિ.સ.) રાજ્યભરની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ રંગેચંગે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.પ્રગતિનો પ્રવેશોત્સવ’ની થીમ સાથે શરૂ થયેલા પ્રવેશોત્સવના બીજા દિવસે શિક્ષણમંત્રી ડૉ.પ્રદ્યુમન વાજાએ કોડિનાર તાલુકાના સનવાવ અને બોડીદર શાળાના બાળકોનો ઉષ્માભેર શાળાપ્રવેશ કરાવી શુભાશિષ સાથે કેળવણીના પથનો પ્રારંભ કરાવ્યો હતો.
શિક્ષણમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, શિક્ષણ અને કેળવણી સાથે જીવનમૂલ્યનું સિંચન કરી પ્રમાણિકતાનો ગુણ વિકસાવી બાળકો દેશના સારા નાગરિક બને એવો આપણા સૌનો સહિયારો પ્રયાસ રહ્યો છે.શિક્ષણમાં જનભાગીદારીની વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ એટલે બાળકોનો શાળામાં પ્રવેશની ઉજવણી કરવાનો મહાઉત્સવ. શાળા પ્રવેશોત્સવ એ લોકજાગૃતિ અભિયાન છે. શૈક્ષણિક ક્ષેત્રમાં સરકાર પોતાની રીતે શ્રેષ્ઠ પ્રયત્ન કરે છે પરંતુ શિક્ષણના સેવાયજ્ઞમાં લોકોની ભાગીદારી પણ એટલી જ આવશ્યક છે.જનભાગીદારીથી વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક મૂલ્યોનું સિંચન કરીને અભ્યાસ કરાવી દેશના સારા નાગરિકોનું ઘડતર કરવું એ આપણા સૌની સહિયારી ફરજ છે, એમ મંત્રીએ ઉમેર્યું હતું.
તેમણે શિક્ષણનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, જે બાળકો શાળા પ્રવેશ કરી રહ્યા છે. એમના માટે સુવર્ણ દિવસ છે. આજે શાળાપ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓમાંથી કેટલાક આઈ.એ.એસ., આઈ.પી.એસ., ડોક્ટર, એન્જિનિયર બનશે તો તેમને પણ આજનો આ દિવસ સ્મરણમાં રહેશે કે, આ દિવસે તેમણે શાળામાં પ્રવેશ મેળવ્યો હતો અને પ્રગતિનો રસ્તો કંડાર્યો હતો.
વર્ષ 2003 ૩માં જ્યારે આર્થિક અને સામાજિક તથા અન્ય કારણોસર 37.22 % બાળકો શાળા છોડીને જતા રહેતા. પરંતુ, 'શાળા પ્રવેશોત્સવ' અને સરકારના પ્રયત્નોથી આ ડ્રોપઆઉટ રેશિયો 2.37 % સુધી નીચે લાવવામાં સફળતા મળી છે.
પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ ધારાસભ્ય તરીકે પ્રદ્યુમન વાજાએ સમગ્ર વિસ્તાર માટે સુવિધાઓની પૂર્તિ અને કરેલા શૈક્ષણિક કાર્યોની પ્રગતિનો ચિતાર લોકો સમક્ષ રજૂ કર્યો હતો.
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શારદા બાંભણિયાએ શિક્ષણનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, બાળકોની અંદર કૌશલ્ય પડેલું જ છે, પરંતુ તેને બહાર લાવવાની જરૂર છે. જેમ કુંભાર માવજત રાખી અને ઘડાનું નિર્માણ કરે છે એમ જ શિક્ષકોએ પણ માવજતથી વિદ્યાર્થીઓનું ઘડતર કરવાનું છે. એમ કહી એમણે શિક્ષકોની કાર્યશૈલીને બીરદાવી હતી.
શિક્ષણમંત્રીએ કાર્યક્રમનું સંચાલન કરનાર વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિમાં અવ્વલ આવનાર તમામ બાળકોને અભિનંદન પાઠવ્યાં હતાં અને તમામ શિક્ષકોની મહેનતને બીરદાવી હતી.
સનવાવ પ્રાથમિક શાળામાં બાલવાટિકા તથા ધો.9 માં 23 કુમાર અને 24 કન્યા, ધો.1 તથા ધો.11 માં 33 કુમાર અને 24 કન્યા, બોડીદર કન્યા પ્રાથમિક શાળામાં બાલવાટિકા તથા ધો.9 માં 29 કન્યા અને ધો.1 તથા ધો.11 માં 14 કન્યા, બોડીદર કુમાર પે-સેન્ટરશાળામાં બાલવાટિકા તથા ધો.9 માં 11 કુમાર અને ધો.1 તથા ધો.11 માં 14 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો.
ધો.3 થી 8 માં શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ, જ્ઞાનસેતુ, જ્ઞાનસાધના, એન.એમ.એમ.એસ સહિતની પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતાં.શિક્ષણમંત્રીએ શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યૉ સાથે બેઠક યોજી હતી. બન્ને શાળામાં સ્માર્ટ લર્નિંગ કીટ અર્પણ કરી હતી. તેમણે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.
આ પ્રવેશોત્સવમાં કોડિનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવા સોલંકી, જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરીચા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલ, શાળાના આચાર્ય તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યો અને ગ્રામજનો સહભાગી બન્યા હતાં.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ