
પાટણ, 24 જૂન (હિ.સ.)પાટણ શહેરમાં 25 અને 26 જૂન, 2026ના રોજ યોજાનારા મોહરમ (તાજીયા) તહેવારને ધ્યાનમાં રાખીને A ડિવિઝન પોલીસે વિશેષ ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ વાતાવરણ રહે તે માટે આ કવાયત કરવામાં આવી હતી.
પોલીસ કાફલાએ શહેરના સંવેદનશીલ વિસ્તારો તેમજ તાજીયાના નિર્ધારિત રૂટોનું નિરીક્ષણ કર્યું હતું. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પેટ્રોલિંગ દરમિયાન બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પેટ્રોલિંગ દરમિયાન પોલીસ અધિકારીઓએ મોહરમના આયોજકો, શાંતિ સમિતિના સભ્યો અને સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી હતી. જુલૂસ દરમિયાન કાયદાનું પાલન કરવા, જરૂરી તકેદારી રાખવા અને શાંતિ જાળવવામાં પોલીસને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ