
જામનગર, 24 જૂન (હિ.સ.) : જામનગરમાં આગામી મોહરમ પર્વને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. શહેરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી SOG દ્વારા દરબારગઢ સર્કલ ખાતેથી ડ્રોન કેમેરાની મદદથી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
મંંગળવારે યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે પોલીસ વિભાગને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા કડક સૂચનાઓ આપી હતી. તેમણે ખાસ કરીને મોહરમ દરમિયાન તાજીયાના નિર્ધારિત રૂટ પર ડ્રોન કેમેરાથી નજર રાખવા તાકીદ કરી હતી.
આ આદેશના પગલે, SOG દ્વારા સંવેદનશીલ ગણાતા વિસ્તારો અને તાજીયા રૂટ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવા માટે ડ્રોન ઉડાડીને ધાબા પોઈન્ટ્સ અને આજુબાજુના વિસ્તારોનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ ડ્રોન સર્વેલન્સની કામગીરીમાં SOGના ઇન્ચાર્જ પી.આઈ. વી. બી. ચૌધરી અને પી.એસ.આઈ. એ. વી. ખેર સહિતનો સમગ્ર પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ટેકનોલોજીની મદદથી સતત વોચ રાખવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt