પાલારા જેલમાં કેદીઓનો આતંક: હત્યાના કેસમાં બંધ બે આરોપીઓએ જેલ કર્મચારી પર કર્યો જીવલેણ હુમલો
કચ્છ, 24 જૂન (હિ.સ.) : ભુજ નજીક આવેલી અને રાજ્યની મહત્વપૂર્ણ હાઈસિક્યોરિટી જેલોમાં સ્થાન ધરાવતી પાલારા જેલમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હત્યાના ગંભીર ગુનામાં કેદ બે આરોપીઓએ ફરજ પર રહેલા જેલ સહાયક પ
પાલારા જેલ સહાયક પર હુમલો


પાલારા જેલ સહાયક પર હુમલો


કચ્છ, 24 જૂન (હિ.સ.) : ભુજ નજીક આવેલી અને રાજ્યની મહત્વપૂર્ણ હાઈસિક્યોરિટી જેલોમાં સ્થાન ધરાવતી પાલારા જેલમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હત્યાના ગંભીર ગુનામાં કેદ બે આરોપીઓએ ફરજ પર રહેલા જેલ સહાયક પર અચાનક હુમલો કરતાં જેલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી. હુમલામાં જેલ કર્મચારીને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.

માહિતી અનુસાર, ઘટના મંગળવારની સાંજે લગભગ સાડા પાંચ વાગ્યાની આસપાસ પાલારા જેલના મુખ્ય સર્કલ વિસ્તારમાં બની હતી. તે સમયે જેલ સહાયક પ્રીતેશભાઈ આર. વડવિયા નિયમિત દેખરેખ અને સુરક્ષા સંબંધિત ફરજો બજાવી રહ્યા હતા. દરમિયાન વર્ષ 2024માં કોઠારા પોલીસ મથકે નોંધાયેલા હત્યાના કેસમાં કાચા કામના કેદી તરીકે બંધ સજ્જનસિંહ હરવંતસિંહ રાયશી અને વિજયસિંહ મલકીતસિંહ રાયશીએ અચાનક તેમના પર હુમલો કરી દીધો હતો.

હુમલો એટલો અચાનક અને ઉગ્ર હતો કે જેલ સહાયકને પોતાનો બચાવ કરવાનો પણ પૂરતો સમય મળ્યો નહોતો. હુમલામાં તેમના કાનની નીચેના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને લોહી નીકળતા અન્ય જેલ કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જેલ પ્રશાસને તરત જ પરિસ્થિતિ કાબૂમાં લેતાં ઘાયલ કર્મચારીને સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા.

આ સમગ્ર ઘટનાએ પાલારા જેલની આંતરિક સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. હાઈસિક્યોરિટી ગણાતી જેલમાં કેદીઓ દ્વારા જેલ કર્મચારી પર આ પ્રકારનો હુમલો કેવી રીતે શક્ય બન્યો અને આરોપીઓએ હુમલા માટે કોઈ વસ્તુ અથવા હથિયારનો ઉપયોગ કર્યો હતો કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. હાલમાં જેલ પ્રશાસન અને સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી છે. હુમલા પાછળનું ચોક્કસ કારણ શું હતું, કેદીઓ અને જેલ કર્મચારી વચ્ચે અગાઉ કોઈ વિવાદ થયો હતો કે કેમ તેમજ હુમલાની પૂર્વયોજના હતી કે નહીં તે સહિતના તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, આ બનાવ બાદ જેલની સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે અને અન્ય કેદીઓની ગતિવિધિઓ પર પણ વિશેષ નજર રાખવામાં આવી રહી છે. ઘટનાને પગલે જેલ પ્રશાસને આંતરિક અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને વિધિવત ગુનો નોંધાયા બાદ સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પાલારા જેલમાં બનેલી આ ઘટના માત્ર એક હુમલાનો બનાવ નથી, પરંતુ જેલ સુરક્ષા અને કર્મચારીઓની સલામતી અંગે ગંભીર ચિંતા ઊભી કરતી ઘટના તરીકે જોવામાં આવી રહી છે. હવે તપાસ બાદ હુમલા પાછળનું સાચું કારણ અને જવાબદારો સામે થનારી કાર્યવાહી પર સૌની નજર મંડાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande