
- જાહેર સેવકને ધમકી અને વૈમનસ્ય ફેલાવવાના આરોપસર ધરપકડ
કચ્છ, 24 જૂન (હિ.સ.) : પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર કાયદો અને વ્યવસ્થાને પડકારતી તેમજ સમાજમાં ધાર્મિક અને સામાજિક વૈમનસ્ય ઉભું કરે તેવી પોસ્ટ સામે ઝડપી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર જાહેર સેવકો અંગે અપમાનજનક અને ધમકીજનક લખાણ પોસ્ટ કરીને લોકોમાં દુશ્મનાવટ અને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરનાર એક વ્યક્તિને પોલીસે ઓળખી તેની સામે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
સાયબર ક્રાઇમ સેલ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ની મોનિટરિંગ ટીમને ઇન્સ્ટાગ્રામ પર એક એવી પોસ્ટ મળી આવી હતી, જેમાં ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને સમાજના વિવિધ વર્ગો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. સાથે જ પોસ્ટમાં સમગ્ર વહીવટી તંત્રને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો હોવાનું પણ પોલીસના ધ્યાને આવ્યું હતું.
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નોડલ અધિકારી એ.એમ. મકવાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.પી. ચુડાસમા અને તેમની ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ડિજિટલ ટેક્નોલોજી અને ટેક્નિકલ વિશ્લેષણના આધારે પોસ્ટ કરનાર વ્યક્તિની ઓળખ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગઢશીશા ગામના નિજામ સુલેમાન રાયમાએ આ પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
ઓળખ થયા બાદ સાયબર ક્રાઇમ સેલે માંડવી પોલીસની મદદથી સંકલિત કાર્યવાહી હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા મારફતે સમાજમાં તણાવ, દુશ્મનાવટ અથવા ધાર્મિક વિગ્રહ ઉભો કરવાનો પ્રયાસ કરનાર કોઈપણ તત્વને બક્ષવામાં નહીં આવે. જાહેર શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે આવા કિસ્સાઓમાં કડક વલણ અપનાવવામાં આવશે.
આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 351(2) અને 353(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારબાદ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે એ-ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે.
પશ્ચિમ કચ્છ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની ભડકાઉ, અફવાજનક અથવા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે તેવી સામગ્રી શેર કરતા પહેલાં તેની ગંભીરતા સમજે અને કાયદાનું પાલન કરે. સોશિયલ મીડિયા પર કરાયેલી ગેરજવાબદાર હરકતો પણ કાયદાની જાળમાંથી બચી શકતી નથી અને આવા કૃત્યો સામે પોલીસ સતત સતર્ક હોવાનું પોલીસે સ્પષ્ટ કર્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar