
ભાવનગર,24 જૂન (હિ.સ.) ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ કૃષ્ણ સોસાયટી, વણકર સોસાયટી, સરોવરવાસ અને ગોપાલ સોસાયટીના રહિશો છેલ્લા ચાર મહિનાથી રસ્તાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ભાવનગર મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગ દ્વારા રાધે કૃષ્ણ પાર્ટી પ્લોટથી અવેડા સુધી નવી ડ્રેનેજ લાઈન નાખવા માટે અંદાજે 10 થી 15 ફૂટ ઊંડો ખાડો ખોદી કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તાનું યોગ્ય રીતે પુનઃસ્થાપન કરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.
રહિશોના જણાવ્યા અનુસાર ડ્રેનેજ લાઈનનું કામ પૂર્ણ થયા પછી માર્ગ પર મેટલ, કપચી કે અન્ય જરૂરી સામગ્રી નાંખી રસ્તો સમતળ બનાવવાની કામગીરી કરવામાં આવી નથી. પરિણામે વરસાદી માહોલ દરમિયાન સમગ્ર માર્ગ ચીકણા ગારામાં ફેરવાઈ ગયો છે. જેના કારણે રોજિંદી અવરજવરમાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
વિસ્તારના બાળકો, વૃદ્ધો અને મહિલાઓ માટે તો રસ્તા પરથી પસાર થવું જોખમી બની ગયું છે. વાહનચાલકોને પણ અકસ્માતનો સતત ભય સતાવી રહ્યો છે. અનેક વખત લોકો વાહનો સાથે લપસી પડવાના બનાવો બન્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. સ્થાનિક રહિશોના આક્ષેપ મુજબ સમસ્યાને લઈને અનેક વખત મહાનગરપાલિકા તંત્ર તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.
સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે સંબંધિત કોન્ટ્રાક્ટર તંત્ર અને લોકપ્રતિનિધિઓની સૂચનાઓને ગંભીરતાથી લેતા નથી. જેના કારણે લોકોમાં અસંતોષ વધી રહ્યો છે. રહિશોએ ચેતવણી આપી છે કે જો સમયસર રસ્તાનું સમારકામ નહીં કરવામાં આવે અને કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્ર અને કોન્ટ્રાક્ટરની રહેશે.
સ્થાનિક રહિશોએ ભાવનગર મહાનગરપાલિકાને તાત્કાલિક રસ્તાનું સમારકામ કરી લોકોને હાલાકીમાંથી મુક્તિ અપાવવા અને સલામત અવરજવર સુનિશ્ચિત કરવા માંગ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA