
ગીર સોમનાથ 25 જૂન (હિ.સ.) શિક્ષણમંત્રી પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ના ત્રીજા દિવસે આજે ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના વિવિધ ગામોની મુલાકાતે હતાં.
શિક્ષણમંત્રીએ તેમની આ મુલાકાત દરમિયાન કાજ પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓ સાથે બેસીને સુખડીનો અલ્પાહાર લીધો હતો તો વડનગર ખાતેની શાળામાં બાળકો સાથે દાળઢોકળી, સુકીભાજી અને સુખડીનું મધ્યાહ્ન ભોજન આરોગ્યું હતું.
શિક્ષણમંત્રીએ તેમના શાળા પ્રવેશોત્સવના વિવિધ કાર્યક્રમો દરમિયાન બાળકો સાથે બાળક જેવા હળવાફૂલ થઈ તેમની શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓનો ચિતાર મેળવ્યો હતો.
તેમણે બાળકો સાથે વ્યક્તિગત રીતે હાથ મિલાવી તેમનું ઉત્સાહવર્ધન કર્યુ હતું. કોડિનારની માધ્યમિક શાળામાં તેમણે દિવ્યાંગ દીકરીને સ્ટેજ પરથી નીચે ઉતરીને સન્માનિત કરી તેમના સરળ અને સહજ ભાવને દર્શાવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ