
ગીર સોમનાથ 25 જૂન (હિ.સ.) ‘પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬’ અંતર્ગત શિક્ષણમંત્રી પ્રદ્યુમનભાઈ વાજાએ ગીર સોમનાથ જિલ્લાની વિવિધ શાળાઓમાં ઉપસ્થિત રહી શિક્ષણના આ મહોત્સવમાં સહભાગી બન્યા છે.
શાળા પ્રવેશોત્સવના ત્રીજા દિવસે શિક્ષણમંત્રીએ કોડિનાર તાલુકાના કાજ, વડનગર અને કોડિનાર નગરપાલિકા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શાળાઓમાં બાળકોને શૈક્ષણિક કીટ આપી ઉમંગ-ઉત્સાહભેર શાળા પ્રવેશ કરાવ્યો હતો.
શિક્ષણમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, આજના વિદ્યાર્થીઓ એ સમગ્ર ભારત દેશના આવતીકાલના નાગરિકો છે. ત્યારે આજના બાળકોમાં સંસ્કારનું સિંચન અને ઘડતર થાય એ માટે શિક્ષણ ખૂબ અગત્યનું માધ્યમ છે. તેજ કારણ છે કે, પ્રતિવર્ષ શાળા પ્રવેશોત્સવને મહોત્સવ તરીકે રાજ્ય સરકાર દ્વારા ઉજવવામાં આવે છે.
તેમણે શિક્ષણની મહત્તા વર્ણવતા જણાવ્યું કે, શિક્ષણથી વિદ્યાર્થીઓમાં પડેલી છૂપી શક્તિઓને કેળવી તેને રાષ્ટ્ર ઘડતર માટે જૉડી શકાય છે. વર્ષ ૨૦૪૭ના 'વિકસિત ભિરત'ના સંકલ્પને સાકાર કરવા માટે આ વિદ્યાર્થીશક્તિ ખૂબ જ પાયાની ભૂમિકા ભજવવાની છે.
વાલીઓને સંબોધન કરતા મંત્રીએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓને યોગ્ય સ્થાન પર લઈ જવા માટે એક શિક્ષક માર્ગદર્શકનું કાર્ય કરે છે. પરંતુ શિક્ષણ એ કોઈ એક વ્યક્તિ, એક પ્રાંત, એક ભાષા કે એક સમાજની જવાબદારી નથી. શિક્ષણ એ આપણા સૌનૌ સહિયારો પ્રયત્ન છે.
શિક્ષણના આ સેવાયજ્ઞમાં થોડી-થોડી શ્રમઆહૂતી આપીએ તો આપણું જીવન સફળ થયું ગણાશે.
મંત્રીએ જીવનમાં શિક્ષણનું મહત્ત્વ સમજાવી વાલીઓ પણ શિક્ષણ પ્રત્યે જાગૃત બને અને બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ રહે એવી અપીલ કરી હતી.
શાળાના વિદ્યાર્થીઓએ 'વિજ્ઞાન અને ટેક્નોલોજી', 'બેટી બચાઓ-બેટી પઢાઓ', 'નમો લક્ષ્મી', 'નમો સરસ્વતી' જેવી શૈક્ષણિક યોજના અને 'કન્યા કેળવણી' પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. બાળપ્રતિભાઓના કૌશલ્યને શિક્ષણમંત્રએ બિરદાવ્યાં હતાં.
પ્રવેશોત્સવમાં કાજ પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકા અને ધો.૯માં ૨૪ કુમાર અને ૧૯ કન્યા, ધો.૧ અને ધો.૧૧માં ૧૪ કુમાર અને ૧૬ કન્યા અને વડનગર પ્રાથમિક શાળામાં બાલવાટિકા અને ધો.૯માં ૮ કુમાર અને ૯ કન્યા, ધો.૧ અને ધો.૧૧માં ૧૦ કુમાર અને ૩ કન્યાઓએ પ્રવેશ મેળવ્યો હતો.
મંત્રીએ તેમની આ મુલાકાત દરમિયાન વડનગર ખાતે નવા મધ્યાહ્ન ભોજન ઓરડાનું લોકાર્પણ પણ કર્યું હતું.
શિક્ષણમંત્રીએ શાળા વ્યવસ્થાપક મંડળના સભ્યો સાથે બેઠક યોજી બાળકોના સર્વાંગી વિકાસ અને શૈક્ષણિક સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવા અંગે જરૂરી માર્ગદર્શક સૂચનો કર્યા હતા.
શિક્ષણમંત્રીના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો. માર્ગ સલામતી અંતર્ગત વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ તથા ગ્રામજનોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા જાગૃત કરવામાં આવ્યા હતા અને સૌએ માર્ગ સલામતીનો સંકલ્પ લીધો હતો.
આ પ્રવેશોત્સવમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શારદાબહેન બાંભણિયા, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, કોડિનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી, જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરીચા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલ, શાળાના આચાર્ય તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યો અને ગ્રામજનો સહભાગી બન્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ