
ગૌહાટી, નવી દિલ્હી, 27 જૂન (હિ.સ.). અસમના વન વિભાગે, દુર્લભ અને સંરક્ષિત પક્ષી હોર્નબિલના શિકાર સાથે જોડાયેલા કેસમાં મોટી સફળતા મેળવતા, ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. વન્યજીવ સંરક્ષણની દિશામાં આ એક મહત્વપૂર્ણ કાર્યવાહી માનવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, દીગબોઈ વન વિભાગ અંતર્ગત, માર્ગેરિટા ઈસ્ટ રેન્જ વિસ્તારમાં ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન હાથ ધરીને ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ લાંબા સમયથી સંરક્ષિત પક્ષી હોર્નબિલના શિકારમાં સામેલ હતા. વન વિભાગે ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરીને તેઓને ઝડપી લીધા હતા.
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી જયંત મલ્લબરુઆએ, સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઓપરેશનની માહિતી શેર કરી હતી. તેમણે આ ઝડપી કાર્યવાહી માટે દિગબોઈ વન વિભાગની ટીમની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, અસમ સરકાર વન્યજીવો અને જંગલોને નુકસાન પહોંચાડનારા કોઈપણ ગુનેગાર સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ પર કામ કરી રહી છે.
વન વિભાગે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી પૂછપરછ શરૂ કરી છે. આ સાથે એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે, આ ટોળકીના તાર કોઈ આંતરરાજ્ય વન્યજીવ તસ્કરી નેટવર્ક સાથે જોડાયેલા છે કે કેમ.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ