
રાયપુર, નવી દિલ્હી, 27 જૂન (હિ.સ.). એક ખ્રિસ્તી સંગઠનના ફેસબુક પેજ પર કેટલાક યુઝર્સે હિન્દુ દેવી-દેવતાઓ અંગે વાંધાજનક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ટેકનોલોજી દ્વારા જનરેટ કરાયેલા વીડિયો અપલોડ કર્યા છે. આ વીડિયોમાં ઇસુ ખ્રિસ્ત (જીસસ)ને હિન્દુ દેવી-દેવતાઓના પિતા અથવા તેમનાથી શ્રેષ્ઠ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ દાવાને હિન્દુ ધર્મની આસ્થાનું અપમાન ગણાવીને વિવિધ હિન્દુ સંગઠનોએ તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. બજરંગ દળના પ્રમુખ રવિ વાધવાણીએ આજે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર આવી સામગ્રી શેર કરનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. હિન્દુ સંગઠનો ટૂંક સમયમાં જ આ મામલે આજે પોલીસને લેખિત ફરિયાદ કરશે. તેમણે આ કન્ટેન્ટને સોશિયલ મીડિયા પરથી તાત્કાલિક હટાવવા અને તેને બનાવનાર તેમજ શેર કરનાર ખ્રિસ્તી સંગઠનના એડમિન અને સંબંધિત યુઝર્સ સામે ધાર્મિક સૌહાર્દ બગાડવાની કલમો હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
તેમનું કહેવું છે કે, સંબંધિત ફેસબુક પેજ અને વીડિયો અપલોડ કરનારાઓની ઓળખ કરી તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ ધાર્મિક લાગણીઓ સાથે રમત ન રમી શકે.
જે પેજ પર એઆઈ વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે, તે ફેસબુક પેજ 'ફ્રોમ હેવન ટુ અર્થ' નામે બનેલું છે. આ પેજ પર હિન્દુ દેવી-દેવતાઓને ગૌણ દર્શાવતા ડઝનબંધ વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે. આ વીડિયો ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા વાયરલ પણ કરવામાં આવી રહ્યા છે. વાયરલ વીડિયોમાં કથિત રીતે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુને, ઇસુને પોતાના પિતા ગણાવતા હોય તેમ દર્શાવવામાં આવ્યું છે. જ્યારે ભગવાન રામને, ઇસુ પાસેથી ઉપદેશ લેતા અને ભગવાન હનુમાન તેમને સૌથી શક્તિશાળી ગણાવતા હોય તેમ દર્શાવવામાં આવ્યું છે. આ વીડિયો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીની મદદથી તૈયાર કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે.
આ સંવેદનશીલ મામલે પોલીસ હવે પ્રાથમિક તપાસ અને ટેકનિકલ ટીમ (સાયબર સેલ)ની મદદથી પેજના ઓરિજિનલ સોર્સ (મૂળ સ્ત્રોત)ની શોધખોળ કરી રહી છે. પોલીસ પ્રશાસનનું કહેવું છે કે, સોશિયલ મીડિયા પર ધાર્મિક સૌહાર્દ બગાડનારા અથવા કોઈપણ ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડનારા કન્ટેન્ટ પર તેમની સાયબર સેલ ટીમ સતત નજર રાખે છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ફેસબુક પેજ 'ફ્રોમ હેવન ટુ અર્થ'ની ટેકનિકલ તપાસ કરવામાં આવી રહી છે જેથી એ જાણી શકાય કે વિવાદિત એઆઈ વીડિયો મૂળ કોણે બનાવ્યો હતો અને કયા આઈપી એડ્રેસ પરથી તેને અપલોડ કરવામાં આવ્યો હતો.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે, લેખિત ફરિયાદ અને વીડિયો પુરાવાઓની તપાસના આધારે કાયદો અને વ્યવસ્થા તેમજ ધાર્મિક લાગણીઓ દુભાવવા સંબંધિત યોગ્ય કાનૂની કલમો હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / કેશવ કેદારનાથ શર્મા / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ