
કચ્છ, 28 જૂન (હિ.સ.) : કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલી આકરી ગરમી અને અસહ્ય બફારાની વચ્ચે આજે મેઘરાજાએ આખરે હાજરી નોંધાવી હતી. મુન્દ્રા તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા તોફાની પવન સાથે વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં. વરસાદને કારણે રસ્તાઓ ભીના બન્યા હતા અને લાંબા સમયથી ગરમીથી ત્રસ્ત લોકો માટે વાતાવરણમાં ઠંડકનો અનુભવ થયો હતો.
રાજ્યમાં ચોમાસું સત્તાવાર રીતે સક્રિય બન્યા બાદ હવે કચ્છમાં પણ વરસાદી માહોલ જામવા લાગ્યો છે. આજે મુન્દ્રા વિસ્તારમાં પવનની ગતિ સાથે વરસેલા વરસાદે વાતાવરણને ખુશનુમા બનાવી દીધું હતું. બીજી તરફ નખત્રાણા તાલુકાના દનાણ ગામ સહિત કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં નોંધાતા સ્થાનિકોમાં આનંદની લાગણી પ્રસરી હતી.
વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ નવી આશા જાગી છે. ખેતીની તૈયારીઓ કરી રહેલા ખેડૂતો લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. પ્રથમ વરસાદી ઝાપટાં પડતાં જમીનમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જે આગામી વાવણી માટે અનુકૂળ માનવામાં આવે છે. ખેડૂતોને હવે નિયમિત વરસાદની અપેક્ષા છે જેથી ખેતીની કામગીરી સરળતાથી આગળ વધી શકે.
ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ પૂર્વ કચ્છના રાપર તાલુકાના કણખોઈ, ભરૂડીયા, સેલારી સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ તોફાની પવન સાથે વરસાદ નોંધાયો હતો. આજે સતત બીજા દિવસે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસેલા વરસાદથી ચોમાસું હવે ધીમે ધીમે કચ્છમાં પોતાની હાજરી મજબૂત કરી રહ્યું હોવાના સંકેતો મળી રહ્યા છે.
વરસાદના કારણે દિવસભરની અસહ્ય ગરમી અને બફારામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ઠંડા પવનો અને વરસાદી વાતાવરણનો લોકોએ આનંદ માણ્યો હતો. જો આગામી દિવસોમાં પણ આવો જ વરસાદી માહોલ યથાવત રહેશે તો ખેતી ઉપરાંત સામાન્ય જનજીવન માટે પણ તે લાભદાયી સાબિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar